મોરબી : મોરબીમાં રોડ, રસ્તા, ગટર અને પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ ન મળતી હોવાની વારંવાર ફરિયાદો ઉઠી રહી છે ત્યારે મોરબીના જિલ્લા સેવા સદનના પાછળના ભાગમાં આવેલી ધર્મસિદ્ધિ સોસાયટી પાસે છેલ્લા 4 દિવસથી ગટર ઉભરાઈ રહી હોવાથી રહીશો પરેશાન થઈ ગયા છે.ધર્મસિદ્ધિ સોસાયટીના રહીશે મોરબી અપડેટને જણાવ્યું હતું કે, જિલ્લા સેવા સદનના પાછળના રોડ પર તેમની સોસાયટી આવેલી છે. જ્યાં છેલ્લા 4 દિવસથી ગટર ઉભરાઈ રહી છે જેના કારણે અડધો કિલોમીટર સુધી ગટરના પાણી ફરી વળ્યા છે. આ અંગે નગરપાલિકામાં ફરિયાદ લખાવી છે પરંતુ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ઉભરાતી ગટરના કારણે આ વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવો પણ રહેવાસીઓને ભય સતાવી રહ્યો છે. ત્યારે તાત્કાલિક ધોરણે આ ઉભરાતી ગટરની સમસ્યા દૂર કરવામાં આવે તેવી લત્તાવાસીઓ માગ કરી રહ્યા છે.