ત્રણેક વર્ષ પૂર્વે વેપારીઓ પાસેથી રો-મટીરિયલ્સ મંગાવી આજ સુધી પૈસાની ચુકવણી ન કરી હોવાના આક્ષેપ : પાર્ટનરો સામે કાર્યવાહી કરી નાણા રિકવર કરી આપવા વેપારીઓની SITમાં રજુઆતમોરબી : મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલ ગ્રિનસીટી સિરામીક નામના એકમે 27 નાના વેપારીઓ પાસેથી રો-મટીરિયલ્સ સહિતની વસ્તુઓ મંગાવી રૂ.3.25 કરોડનો ધુંબો માર્યો હોવાના આક્ષેપ સાથે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી નાણા પરત અપાવવા માટે આ વેપારીઓએ જિલ્લા પોલીસ વડાની SIT ટીમને રજુઆત કરી છે. રજુઆતમાં વેપારીઓએ જણાવ્યું હતું કે અમે સામાન્ય અને મધ્યમવર્ગના માણસો છીએ અને નાના - મોટો ધંધો કરી અને અમારૂ તથા અમારા પરિવારનુ ગુજરાન ચલાવીએ છીએ. આ આ એકમે સાલ ૨૦૨૨-૨૩ થી આજ દિન સુધી અમારી રૂ.3.25 કરોડની બાકી નીકળતી લેણી રકમ ચુકવી આપેલ નથી. જ્યારે પૈસાની માંગણી કરેલ છે ત્યારે અલગ અલગ બહાના આપી અને સમજાવીને પરત મોકલી દીધા છે. આ એકમે અમારી લેણી રકમ જે રોકીને રાખેલ છે તે રકમ અમારે પણ આગળ વેપારીઓને ચુકવવાની બાકી છે. આ એકમના પાર્ટનર હાલ અમને મરવા માટે મજબુર કરી રહ્યા છે.આ એકમના પાર્ટનરોએ આશરે ૧૦ માસ પહેલા તેની કંપનીની તમામ મશીનરી વેચાણ કરી આપેલ છે. છતા પણ આજ દિન સુધી અમારી લેણી રકમ ચુકવવામા આવેલ નથી. હાલ તેની કંપનીની મિલ્કત કે જમીન કે જે મોરબી તાલુકાના સર્વે નંબર વાળી મિલ્કત હાલ વહેચવા કાઢેલ છે. જેના પર સ્ટે-મુકવામાં આવે અને જો વેચાણ કરવામા આવે તો પહેલા અમારી લેણી રકમ અપાવવામાં આવે તેવી અમારી માંગ છે. બાકી જ્યા સુધી અમારી લેણી રકમ વસુલ ના થાય ત્યા સુધી ગ્રિનસિટી સિરામીકની પ્રોપર્ટી સિલ મારી અને તેના સર્વે નંબર ઉપર વેચાણ ન કરવા માટે સ્ટે-મુકવાની માંગ છે.અરજીમાં વેપારીઓએ આક્ષેપ કર્યો છે કે કંપનીનો ઇરાદો સ્પષ્ટ પણે દેખાઇ આવે છે કે અમને લેણી રકમ ચુકવવી નથી અને બારોબાર કારખાનુ વેચી અને પૈસા પણ હડપ કરી જાવા છે. કંપનીના પાર્ટનરોએ પ્રિ-પ્લાનીંગ કરી જાણી જોઇને વિશ્વાસઘાત કરી અને છેતરપિંડી કરેલ છે. કારણ કે આજે આશરે ૩ થી ૪ વર્ષ જેવો સમય થયેલ છે છતા પણ અમારા પૈસા અમને પરત આપેલ નથી. કે પૈસા આપવાની તૈયારી પણ બતાવેલ નથી. જેથી એકમના પાર્ટનરો વિરુધ્ધ એફ.આઇ.આર. કરવા તેમજ આગળની કાયદેસરની કાર્યવાહી કરી લેણી રકમ પરત અપાવવામાં આવે તેવી માંગ સાથે લેખિત ફરિયાદ કરવામાં આવી છે.