વજેપરમાં જમીન તકરારને લઈને વર્ષ 2018માં ખેલાયો હતો ખૂની ખેલ, જેમાં ત્રણ લોથ ઢળી હતી, કુલ 12 આરોપી પૈકી એક આરોપીનું જેલવાસ દરમિયાન જ મોત થયું હતું મોરબી : મોરબીનો અત્યાર સુધીનો સૌથી મોટો ચુકાદો જાહેર થયો છે. વજેપરમાં જમીનને લઈને થયેલી તકરારમાં ત્રિપલ મર્ડર થયું હતું. આ કેસમાં ડિસ્ટ્રીકટ કોર્ટે 11 આરોપીઓને આજીવન કેદની સાથે રૂ.50 હજારનો દંડ ફટકાર્યો છે. પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના વજેપર ગામે સર્વે નં.1086ની 32 વિઘા જમીનની તકરારને લઈને તા.12 ઓગસ્ટ 2018ના રોજ રાત્રીના સમયે 12 શખ્સોએ 6 બાઇક ઉપર આવીને છરી, ધોકા, તલવાર સહિતના હથિયાર વડે હુમલો કરી દિલાવરભાઈ પઠાણ, અફઝલભાઈ પઠાણ અને મોમીનભાઈ પઠાણની હત્યા કરી હતી. આ બનાવને લઈ મોરબી તાલુકા પોલીસે વસિમ મહેબુબભાઈ પઠાણની ફરિયાદના આધારે ભરત નારણભાઈ ડાભી, જયંતિ નારણભાઈ, અશ્વિન જીવરાજભાઈ, ભરત જીવરાજભાઈ, ધનજી મનસુખભાઇ, કાનજી મનસુખભાઈ, શિવાભાઈ રામજીભાઈ, મનસુખ રામજીભાઈ, જીવરાજ રામજીભાઈ, પ્રવીણ શીવાભાઈ, કિશોર શિવાભાઈ ડાભી, સંજય નારણભાઈ ડાભી સામે 302 સહિતની કલમો હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. બીજી તરફ સંજય નારણ ડાભી દ્વારા ક્રોસ ફરિયાદ પણ નોંધાવામાં આવી હતી. જો કે તે ફરિયાદના આરોપી તમામ મરણ જનાર હતા. વધુમાં 12 આરોપી સામેનો ત્રિપલ મર્ડર કેસ ડિસ્ટ્રીકટ કોર્ટમાં ચાલી જતા કોર્ટે ચુકાદો જાહેર કર્યો છે. જેમાં 12 પૈકીના એક આરોપી શિવાભાઈનું જેલવાસ દરમિયાન મૃત્યુ થયું હતું. એટલે બાકીના 11 આરોપીઓને કોર્ટે તકસીરવાન ઠેરવીને તમામને આજીવન કેદની સજા ફટકારી છે. આ સાથે તમામ આરોપીઓને રૂ.50 હજારનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ દંડની રકમમાંથી ત્રણેય મૃતકના પરિવારને રૂ.2-2 લાખનું વળતર આપવાનો પણ કોર્ટે હુકમ કર્યો છે. આ કેસમાં ફરિયાદી પક્ષે સરકારી વકીલ વી.સી.જાની રોકાયેલ હતા.