મોરબી: મોરબી સિવિલ હોસ્પિટલમાંથી વધુ સારવાર માટે રાજકોટ રિફર કરાયેલા એક ગંભીર દર્દીનો 108 એમ્બ્યુલન્સની ટીમે રસ્તામાં જ જીવ બચાવીને ફરજ અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.અંદાજે 11 વાગ્યાની આસપાસ સિવિલ હોસ્પિટલ, મોરબી ખાતેથી 55 વર્ષીય પ્રેમજીભાઈ દેવજીભાઈનો કેસ મળ્યો હતો. દર્દી પડી જવાથી હેમરેજ થયું હતું અને તેઓ બેભાન અવસ્થામાં હતા. ગંભીર હાલત હોવાથી તેમને તાત્કાલિક રાજકોટ ખાતે વધુ સારવાર માટે લઈ જવામાં આવી રહ્યા હતા.જોકે, રાજકોટ જતી વખતે રસ્તામાં દર્દીની તકલીફ વધુ નાજુક બની ગઈ હતી. આ સમયે 108 ટીમના EMT ધર્મેશ દેગામા અને પાયલોટ શુભમસિંહ પરમારએ સમયસૂચકતા વાપરી હતી. તેમણે ડૉ. જે.ડી. પટેલના માર્ગદર્શન હેઠળ દર્દીને તાત્કાલિક કૃત્રિમ શ્વાસ આપવાની કવાયત હાથ ધરી હતી. જેના કારણે દર્દીનો જીવ બચી ગયો હતો. 108 ટીમની આ તાત્કાલિક અને સરાહનીય કામગીરીને કારણે એક જીવન બચી શક્યું છે.