ડો. અનિલ પટેલની પુત્રીએ પણ 35 પ્લસમાં ગ્રુપમાં ત્રીજો નંબર મેળવ્યો મોરબી : મોરબીના જૈફવયના તબીબ ડો અનિલ પટેલે વધુ એક વખત દોડવીર તરીકેની સિદ્ધિ હાંસલ કરી છે.જેમાં ડો.અનિલ પટેલે રાજકોટની મેરેથોન દોડની 60 પ્લસ ગ્રુપમાં પ્રથમ નંબર મેળવીને મોરબીનું ગૌરવ વધાર્યું છે.જ્યારે પિતાના પગલે ચાલીને તેમની પુત્રીએ પણ આ સ્પર્ધાના 35 પ્લસના ગ્રુપમાં ત્રીજો નંબર મેળવ્યો હતો. રાજકોટમાં ગઈકાલે રવિવારે રોટરી કલબ દ્વારા હાંફ મેરેથોન દોડનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક લોકોએ ભાગ લીધો હતો .આ મેરેથોન દોડમાં મોરબીના જૈફવયના દોડવીર ડો. અનિલ પટેલે ઉત્સાહભેર ભાગ લીધો હતો અને હાડ થીજવતી કડકડતી ઠંડી વચ્ચે ડો અનિલ પટેલે મેરેથોન દોડમાં ઉત્કૃષ્ટ પર્ફોર્મન્સ આપીને તેમની ઉંમરના લોકોને રીતસર હંફાવી દીધા હતા અને આ મેરેથોન દોડમાં તેમણે 60 પ્લસની ઉંમરના ગ્રુપમાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો. જ્યારે પિતાના પગલે ચાલીને તેમના પુત્રી હિરલબેન જયેશભાઈએ પણ રાજકોટની મેરેથોન દોડમાં ભાગ લીધો હતો અને 35 થી 45 ઉંમરના ગ્રુપમાં તેમણે ત્રીજો નંબર મેળવ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે, ડો .અનિલ પટેલ 65 વર્ષની ઉંમરે પણ યુવાનનોને શરમાવે તેવું ખડતલ અને સ્ફૂર્તિલું શરીર ધરાવે છે.તેમની ઉંમરના લોકો અનેક બીમારીઓનો ભોગ બની પથારીવશ હોય છે. ત્યારે ડો. અનિલ પટેલે નિયમિત વ્યાયામ કરીને શરીરને એકદમ તંદુરસ્ત રાખ્યું છે અને અનેક વખત મેરેથોન દોડમાં ભાગ લઈને તમામ વયના લોકોને નિરોગી મય જીવન કેવી રીતે જીવવું તેની ઉમદા પ્રેરણા આપી રહ્યા છે.