ગત વર્ષની સાપેક્ષે દસ્તાવેજોમાં ઘટાડાની સામે આવકમાં રૂ. 3.78 કરોડનો વધારો મોરબી : મોરબીમાં કોરોનાથી મિલકત લે-વેચને નહીવત અસર થઈ છે. અલબત્ત લોકડાઉન દરમિયાન ઘણો સમય માટે સરકારી કચેરીઓ બંધ રહી હોય દસ્તાવેજની કામગીરી ઠપ્પ હોવા છતાં ગત વર્ષની તુલનાએ દસ્તાવેજ નોંધણીની સંખ્યામાં માત્ર 6.13 ટકાનો જ ઘટાડો નોંધાયો છે. મોરબી જિલ્લાના તમામ ઉદ્યોગોને કોરોનાએ કપરા દિવસો બતાવ્યા છે. આ કોરોના કાળમાં તમામ વેપાર ધંધાઓની માઠી બેઠી હોય રિયલ એસ્ટેટ માટે આખું વર્ષ ખરાબ રહેશે તેવી ધારણા હતી. પણ રિયલ એસ્ટેટની અગાઉની તેજી અને કોરોના કાળ પછીની તેજીએ લોકડાઉનમાં જે નુકસાની વેઠવી પડી હતી તેનું વટક વાળી લીધું છે. ગત વર્ષ 2019 દરમિયાન મોરબીમાં કુલ 21,314 દસ્તાવેજો નોંધાયા હતા. જેની સામે 2020ના વર્ષે 20,006 દસ્તાવેજો નોંધાયા છે. સામે ગત વર્ષે નોંધણી ફી 9,65,28,274 થઈ હતી. જ્યારે આ વર્ષે નોંધણી ફી 10,99,82,254 નોંધાઇ છે. ગત વર્ષે સ્ટેમ્પ ડ્યુટીની આવક રૂ. 64,44,25,200 નોંધાઇ હતી. જ્યારે ચાલુ વર્ષે સ્ટેમ્પ ડ્યુટીની આવક 66,88,16,366 નોંધાઇ છે. આમ, ગત વર્ષની સાપેક્ષે આ વર્ષે સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ફીની આવકમાં રૂ.3,78,45,146નો વધારો નોંધાયો છે.