મોરબી : સીટી એ.ડીવી.પો.સ્ટે. વિસ્તારમાં રિક્ષામાં મુસાફરોને બેસાડી તેના સામાન સહિત રોકડ રકમની તફડચંડી કરતી 4 લોકોની ગેંગને પોલીસે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મોરબી સેફર સીટી સીસીટીવી પ્રોજેકટ અંતર્ગત લગાવવામાં આવેલા કેમેરામાં એક રીક્ષા ટ્રેસ કરવામાં આવી હતી. આ રીક્ષાના નંબરને ઇ-ગુજકોપ પોકેટકોપ દ્વારા સર્ચ કરી રીક્ષા માલિકનું નામ સરનામું મેળવી તેને ઝડપી પાડી પૂછપરછ કરતા મોરબી એ.ડીવી.પો.સ્ટે. વિસ્તારમાં રિક્ષામાં મુસાફરોને બેસાડી આયોજનબદ્ધ રીતે રોકડ સહિતની વસ્તુઓની તફડચંડી કરતી ચાર સભ્યોની બનેલી ગેંગનો પર્દાફાશ થયો હતો. પો.ઇન્સ. આર.જે.ચૌધરીની સૂચનાથી વોચમાં રહેલા ડી સ્ટાફના પો.કોન્સ. નિર્મળસિંહ જાડેજા, રણજીતસિંહ રોહડિયા, ભરતભાઇ ખાંભરા સહિતનાઓને મળેલી ખાનગી બાતમીને આધારે એક સીએનજી રીક્ષા નંબર GJ 36 5325 ઝડપી પાડી હતી. આ રિક્ષાનો ઉપયોગ કરી ચાર શખ્સો મુસાફરોના ખિસ્સા હળવા કરતા હોવાનું તપાસ દરમ્યાન ખુલતા અશોક શાંતિલાલ ભાટી, નવીન નરશીભાઈ દલસાણીયા, અજય જગમાલભાઈ ઘેરા અને અર્જુન અબરામભાઈ ભરવાડિયાની અટકાયત કરી વધુ પૂછપરછ કરતા ગઈ કાલે જ શનાળા રોડ પરથી મુસાફર બેસાડી 18000ની રોકડ રકમ સેરવી લીધી હોવાની કબૂલાત આપી હતી. આ બારામાં વાઘજીભાઈ નવલભાઈ પરમાર ઉં. વ. 40 રહે. જડેશ્વર પાસે, તા. વાંકાનેર વાળાએ ફરિયાદ નોંધાવી હતી. આ ઉપરાંત આ જ પ્રકારે કરેલા અન્ય ગુન્હાઓની કબુલાત આપતા અગાઉ થયેલા ગુન્હાઓનો ભેદ પણ ઉકેલાયો છે. પોલીસે હજુ વધુ તપાસ ચાલુ રાખી વણનોંધાયેલા ગુન્હાઓની માહિતી મેળવવાની કવાયત એ.ડીવી.ના એ.એસ.આઈ. એમ.આર. ગામેતીએ આદરી છે.