મોરબી તાલુકાની જેતપર પ્રા. શાળામાંથી નિવૃત થયેલા અને હળવદ રહેતા 70 વર્ષના શિક્ષકની અનન્ય સેવા : વૃદ્ધવયે પહોંચીને પણ એકલા હાથે શિક્ષણનો અનોખો યજ્ઞ ચલાવતા નિવૃત શિક્ષક અન્ય તમામ શિક્ષકો માટે પ્રેરણારૂપ મોરબી : ઘણા ખરા જિલ્લા તંત્ર દ્વારા કે કોઈ સંસ્થાઓ દ્વારા શિક્ષણ વાન ચાલતી આપણે જોઈ હશે. જે વાનમા તમામ સાધન સામગ્રી હોય છે અને શિક્ષણ આપવા માટે તે વિવિધ જગ્યાએ ફરતી હશે. પરંતુ આવું જ કાર્ય કોઈ વ્યક્તિને એકલા હાથે કરતા જોયા નહિ હોય. હા, આવું જ કાર્ય એક હળવદના નિવૃત શિક્ષક કરે છે. જે સવારે ટિફિન સાથે થેલામાં તમામ સાધન સામગ્રી લઈને કોઈ પણ શાળામાં પહોંચી જાય છે અને ત્યાં વિદ્યાર્થીઓને અવનવા પ્રયોગોનું નિદર્શન કરાવીને આશ્ચર્યચકિત કરી દે છે અને બાદમાં ખૂબ સરળ ભાષામાં પ્રયોગો સમજાવે છે. મોરબી તાલુકાની જેતપર પ્રાથમિક શાળામાં વર્ષો સુધી ફરજ બજાવી છેલ્લે કેળવણી નિરીક્ષક તરીકે સેવા બજાવી અને છેલ્લા દસ વર્ષથી નિવૃત્ત થયેલા અને હાલ હળવદમાં રહેતા રામજીભાઈ જાકાસણીયા આજે આરામ કરવાની ઉંમરે પણ સત્તત કાર્યરત રહી પોતાની પાસે રહેલ વિજ્ઞાન અને જ્ઞાનનું ભાથું વિદ્યાર્થીઓને આપવા માટે કટિબદ્ધ અને પ્રતિબદ્ધ છે તેઓ સવારે પોતાની સાથે ધો 5 થી 8 માં આવતા 100 જેટલા ગણિત વિજ્ઞાનના પ્રયોગોની તમામ સાધન સામગ્રી લઈને નીકળી પડે અને વિદ્યાર્થીઓને પોતાની આગવી શૈલીમાં પ્રકાશના પરાવર્તનના નિયમો,ઉચ્ચલનના સિદ્ધાંતો, ન્યુટનના ગુરુત્વાકર્ષણના નિયમો, વગેરે રસાયન વિજ્ઞાન,ભૌતિક વિજ્ઞાન, જીવ વિજ્ઞાન પ્રયોગો સતત ત્રણ કલાક સુધી ઉભા રહી બાળકોને એકદમ સરળ રીતે સમજાવે છે અત્યાર સુધીમાં 550 જેટલી મોરબી જિલ્લાની સરકારી અને ખાનગી શાળાઓમાં ગોંડલ જસદણ,લાલપુર,જામજોધપુર ઉપલેટા,ધોરજી શાળાઓમાં અભ્યાસ કરતા હજારો વિદ્યાર્થીઓ અને સેંકડો તાલીમ વર્ગમાં અનેક શિક્ષકોને રામજીભાઈએ પ્રયોગો કરાવ્યા છે. રામજીભાઈ આજે માધાપરવાડી કુમાર કન્યા શાળામાં પહોંચ્યા હતા બંને શાળાના ધોરણ 5 થી 8ના 500 જેટલા બાળકોને ગમત સાથે વિજ્ઞાનનું જ્ઞાન પીરસ્યું હતું, વિજ્ઞાનના પ્રયોગો જાતે કરવાથી બાળકો પણ આનંદિત થઈ ગયા હતા, રામજીભાઈ જાકાસણીયા જ્યારે શિક્ષક તરીકે ફરજ બજાવતા હતા ત્યારે પણ દર વર્ષે વિજ્ઞાન પ્રદર્શનમાં રામજીભાઈની કૃતિ રાજ્ય કક્ષાના વિજ્ઞાન પ્રદર્શનમાં જતી,આમ આજે હરતી ફરતી,બોલતી ચાલતી પ્રયોગ શાળા બનેલા નિવૃત શિક્ષક અનેક શિક્ષકો માટે પ્રેરણા શ્રોત બન્યા છે કોટી કોટી સલામ અભિનંદન સાથે વંદન છે આ વયોવૃદ્ધ નહિ પણ વૃદ્ધયુવા શિક્ષકને..!