નવરાત્રી મહોત્સવ બંધ રહેતા ખેલૈયાઓ પણ શેરી ગરબા તરફ વળ્યા: ચાલુ વરસાદે ગરબાની રમઝટ બોલાવી મોરબી: ગઈકાલે સાતમાં નોરતે મેઘરાજાએ પધરામણી કરતા અનેક જગ્યાઓ પર નવરાત્રી મહોત્સવ બંધ રાખવાની ફરજ પડી હતી. પરંતુ ખેલૈયાઓનો ઉત્સાહ વરસાદમાં પણ અડીખમ રહ્યો હતો. વરસાદના કારણે સંકલ્પ, ઉમિયા, પાટીદાર, સનાતન નવરાત્રી મહોત્સવ બંધ રહ્યા હતા. જેને પગલે અનેક ખેલૈયાઓ પણ શેરી ગરબા તરફ વળ્યા હતા. મોરબીના રવાપર ગામમાં શ્રી ગીતા ગરબી મંડળમાં યુવાનોએ વરસતા વરસાદે પણ માતાજીની આરાધના કરી હતી અને ગરબે રમ્યા હતા. તેમજ રવાપર ઘુનડા રોડ પર મહાબલી હનુમાન મંદિર સામે આવેલ પટેલ સોસાયટી ગરબી મંડળના ખેલૈયાઓએ વરસાદી માહોલમાં પણ માતાજીની આરાધના કરીને ગરબા રમવાનો ઉત્સાહ જાળવી રાખ્યો હતો. ચોમાસા જેવું ઠંડકભર્યું વાતાવરણ હોવા છતાં ખેલૈયાઓથી રમ્યા વગર રહેવાયું નહોતું. શરૂઆતમાં પાર્કિંગમાં ગરબા રમ્યા બાદ, આનંદમાં આવીને તેઓ ખુલ્લા આકાશ નીચે ચાલુ વરસાદમાં પણ ગરબે ઘૂમ્યા હતા. ખેલૈયાઓના અદમ્ય ઉત્સાહે વાતાવરણને ભક્તિમય બનાવી દીધું હતું.આ ઉપરાંત રવાપરની પ્રમુખ રેસીડન્સીમાં, રવાપર રોડ પર સુભાષનગરમાં, સંસ્કાર રેસિડન્સમાં, હરિનગરમાં, સામાકાંઠે વર્ધમાન ગરબી મંડળમાં, શિવનગરમાં યુવાનો, મહેન્દ્ર ચોકડી પાસે નીલકંઠ પાર્ક સોસાયટીના રહીશો મનમુકીને ચાલુ વરસાદે ગરબે ઘૂમ્યા હતા. તેમજ મોરબી 2 ના વૃંદાવન પાર્કમાં રહીશો રેઈનકોટ અને છત્રી સાથે ખેલૈયાઓ ગરબે રમ્યા હતા. માળીયા મીયાણાના જૂના ઘાંટીલા ગામે પ્રાચીન નવદુર્ગા મંડળમાં, ટંકારાના કલ્યાણપુર ગામે ચોહાર ઉપર, ધરમપુર ગામે ધાવડી ગરબી મંડળ દ્વારા મંડપની જગ્યાએ મંદિરની અંદર પ્રાચીન ગરબાના તાલે, તેમજ સનાળા રોડ પર આવેલ ન્યુ હાઉસિંગ બોર્ડમાં બાળાઓ ભાવવિભોર થઈ ગરબે રમી હતી.