મોરબી : મોરબી માર્કેટિંગ યાર્ડના ડિરેક્ટર અને કોંગ્રેસ વિચારધારા સંગઠનના જિલ્લા પ્રમુખ કે. પી. ભાગીયા દ્વારા કૃષિ ઉત્પાદન અર્થે ખેડુતોએ મેળવેલ પાક ધીરાણનું ટર્ન ઓવર કરી આપવા અંગેની લેખિત રજૂઆત રાજ્યના કૃષિમંત્રી ફળદુ સાહેબને કરવામાં આવેલ છે. આ લેખિત રજુઆતમાં જણાવેલ છે કે હાલ કોરોના વાઈરસની મહામારી ફેલાતી અટકાવવા ભારત સરકાર દ્વારા લોકડાઉન તા. ૩ મે સુધી લંબાવવામાં આવેલ છે. ત્યારે સમગ્ર ગુજરાતના તમામ ખેડુત ખાતેદારો હાલ આ મહામારી રોગના કારણે તેમણે ઉત્પાદન કરેલ ખેતી પાકો કપાસ, જીરૂ, ઘઉં, એરંડા, ચણા જેવા પાકોનું કોઈ લેવાલ નથી અથવા પાણીના ભાવે નજીક કિંમત માંગે છે. ત્યારે ખેડુતોએ મેળવેલ ધીરાણ ભરપાઈ કરવા માંગતા હોવા છતા લોકડાઉનના કારણે ખેતી પાકોનું વેચાણ થતું ન હોવાથી સમયસર ભરપાઈ કરી શકતા નથી. તેમજ હાલની આવી કપરી પરિસ્થિતીના કારણે ખેડૂતોને કોઈ ઉધાર આપે તેમ નથી. જેથી, ખેડુતોએ જેટલી રકમનું ધીરાણ મેળવેલ હોઈ તેટલી જ રકમનું ધીરાણ નવા-જૂનું (ટર્ન ઓવર) કરી આપવા અપીલ કરાઈ છે. આ ઉપરાંત, ગત વર્ષે મોરબી જીલ્લામાં 210% થી વધુ વરસાદ પડેલ છે. અને મોટાભાગે કપાસ મગફળી પાકમાં ભયંકર નુકશાની થયેલ છે. ત્યારે પ્રાઈવેટ વીમા કંપનીઓને મનફાવે તેમ સર્વે કરાવીને મનમાની ચલાવતા અહીના ખેડુતોને હજુ સુધી પાક વીમો પણ મળેલ નથી. વધુમાં, જણાવેલ છે કે આથી સરકાર દ્વારા ધીરાણની સીસ્ટમમાં માત્ર તેમણે મેળવેલ ધીરાણની મર્યાદામાં જૂનું એકાઉન્ટ કલોઝ કરી કેરી ફોરવર્ડથી નવુ ધીરાણ ખેડુતોના ખાતામાં ઉધારવામાં આવે તો આવી કપરી વિકટ પરિસ્થિતીમાં ખેડૂતોને મોટી રાહત મળી શકે અને ઘર આંગણે કે ખેતર વાડીમાં રહેલ પાકોનું સમયાંતરે યોગ્ય ભાવ મળે વેચીને તેમનું જીવન નિર્વાહ કરી શકે. માટે યોગ્ય કાર્યવાહી કરી ખેડતોને વિકટ પરિસ્થિતિમાં ધિરાણની ૨કમ નવા જુની કરી સહાય અપાવવા અપીલ કરાઈ છે.