મધ્યાહન ભોજનનો સમય બપોરના 1:30 વાગ્યાથી બદલીને 12-30 વાગ્યાનો કરવાની માંગ મોરબી : સરકારી શાળાઓમાં હાલ મધ્યાહન ભોજનનો સમય બપોરના 1: 50 વાગ્યાનો હોવાથી બાળકોને મુશ્કેલી પડતી હોવાની ફરિયાદ સાથે મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘે તાલુકા પ્રથમીક શિક્ષણાધિકારીને રજુઆત કરીને શાળાઓમાં મધ્યાહન ભોજનનો સમય બપોરના 12-30 વાગ્યાનો કરવાની માંગ કરી છે. મોરબી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સંદિપભાઈ આદ્રોજ અને મહામંત્રી અશ્વિનભાઈ દલસાણીયાએ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને રજુઆત કરી હતી કે,સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજનના સમયમાં ફેરફાર કરવાની શિક્ષકો તરફથી સંઘને રજુઆત કરવામાં આવી છે.હાલ સરકારી શાળાઓમાં મધ્યાહન ભોજનનો બપોરના 1:50 વાગ્યાનો છે.આ સમય બાળકોના ભોજન માટે બિલકુલ યોગ્ય નથી.બપોરના 2 વાગ્યા સુધી બાળકોને ભૂખ્યા રાખવા તે બાળ અધિકારોનું ઉલ્લંઘન છે.કોર્ટે પણ બાળકોના ભોજનનો સમય બપોરના 12-30 વાગ્યાનો નિર્ધારીત કર્યો છે.પણ કોર્ટના આ નિયમનો પણ અનાદર થાય છે.ખાસ કરીને સરકારી શાળામાં ભણતા ગરીબ બાળકોના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતા આદિવાસી માતાપિતા સવારથી જ મજુરી કરવા જતાં હોય અને સાંજે પાછા ફરે છે.તેથી આવા આદિવાસી બાળકોના આરોગ્ય માટે મધ્યાહન ભોજનનો સમય બપોરના 12: 30 વાગ્યાનો કરવો જરૂરી છે.આથી બાળકોના આરોગ્યના હિત ખાતર તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘે મધ્યાહન ભોજનના કલેકટર અને ડી.પી.ઇ.ઓને રજુઆત કરીને મધ્યાહન ભોજનનો સમય બપોરના 12-30 વાગ્યાનો કરવાની માંગ કરી છે.