ફેનસિંગ તોડી પાંચ શખ્સોએ બાંધકામ કરી નાખ્યું : જમીન માલિકને ધમકી મોરબી : મોરબીમાં પણ રાજકોટની જેમ ભુમાફિયા બેફામ બન્યા હોવાનો પુરાવો આપતી ઘટનામાં જમીન કૌભાંડિયા પાંચ શખ્સોએ કિંમતી જમીન પચાવી પાડવા ફેંસીંગ તોડી નાખી ગેરકાયદે બાંધકામ કરતા રોકવા ગયેલ માલિકને જાનથી મારી નાખવાની ધમકી આપતા બી ડિવિઝન પોલિસ મથકમાં ગુન્હો નોંધાયો છે. જાણવા મળ્યા મુજબ મોરબીના રેલવે સ્ટેશન પાછળ નવલખી રોડ નજીક ફરિયાદી હુસેનભાઈ અબ્રાહમભાઈ સુમરાની માલિકીની જમીન આવેલી હોય એ જમીનને તાર ફેંસીંગ કરી સુરક્ષિત કરવામાં આવી છે પરંતુ આ કિંમતી જમીન ઉપર ડોળો નાખી ઇંદ્રિશ જેડા, સુભાન જેડા, ગુલઝાર, અબુ હજીમ જેડા, અને નીજામ જેડા સાહિતનાઓએ ફેંસીંગ તોડી નાખી હતી. વધુમાં પાંચેય આરોપીઓ દ્વારા આ જમીનમાં ગેરકાયદેસર કબજો કરવા બાંધકામ પણ કરવામાં આવતા ફરિયાદી હુસેનભાઈ અટકાવવા જતા પાંચેય આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપતા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં આ મામલે ફરિયાદ નોંધાઇ છે. ઘટના અંગે ગુન્હો નોંધી પોલીસે પાંચેયને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.