સ્થાનિક લોકોએ દુષિત પાણી પ્રશ્ને પાલિકા તંત્રને પાણીના નમૂના સામે ઉગ્ર રજુઆત કરી મોરબી : મોરબીના શનાળા રોડ ઉપર નવા બસ સ્ટેન્ડ પાસે આવેલ સ્વસ્તિક સોસાયટીમાં નળ વાટે દુર્ગધ મારતું દૂષિત પાણી આવતું હોવાની ફરિયાદ સાથે સ્થાનિક લોકોએ આજે પાલિકા કચેરીમાં મોરચો માંડ્યો હતો અને દૂષિત પાણીના નમૂના સાથે ઉગ્ર રજુઆત કરીને શુદ્ધ પાણીનું વિતરણ કરવાની માંગ ઉઠાવી હતી. મોરબીના શનાળા રોડ ઉપર નવા બસ સ્ટેન્ડ પાસે મનાલી હોટલ વાળી શેરીમાં આવેલ સ્વસ્તિક સોસાયટીમાં રહેતા લોકોએ આજે દૂષિત પાણીના વિતરણ મામલે આજે પાલિકા કચેરીએ ઘસી જઈને દૂષિત પાણીના નમૂના સાથે ઉગ્ર રજુઆત કરી હતી. આ સમયે નગરપાલિકામાં પ્રમુખ કે ચીફ ઓફિસર હાજર ન હોવાથી સ્થાનિક લોકોએ હેડ ક્લાર્કને રજુઆત કરી હતી કે આ સોસાયટીમાં આશરે 150 થી વધુ મકાનો આવેલા છે. પણ છેલ્લા એક મહિનાથી નળ વાટે ગટર જેવું ગંધાતુ દૂષિત પાણી આવી રહ્યું છે. આ પાણી એટલું ગંદુ છે કે પીવામાં તો ઠીક વપરાશમાં પણ ઉપયોગમાં લઈ શકાય એમ નથી. તેમ છતાં એક માસથી આવું દૂષિત પાણી આવતું હોવાથી સ્થાનિકોના આરોગ્ય ઉપર જોખમ સર્જાયું છે. હાલમાં કોરોનાનો કહેર વર્તાયો છે. ત્યારે વારંવાર એવું કહેવામાં આવે છે કે પાણીથી હાથ ધોઈને સ્વચ્છ રાખવા પણ આ પાણીથી તો હાથ ધોવાથી રોગોનો ભોગ બનવું પડે તેવી ગંભીર સ્થિતિ છે. તેથી, આ મામલે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી.