મોરબી : મોરબીના કોંગી આગેવાન કે.ડી.બાવરવાએ રાજય સરકારને રજૂઆત કરી હતી કે મોરબી જીલ્લામાં આવેલા દરેક રોડ જેવાકે નેશનલ હાઇવે, સ્ટેટ હાઇવે અને બીજા તાલુકા તેમજ ગામોને જોડતા રસ્તાઓ તાજેતરની અતિવૃષ્ટિને કારણે બિસ્માર હાલતમાં થઇ ગયા છે. આના કારણે લોકોને પારાવાર મુશ્કેલીઓ પડી રહી છે. ઓફિસોમાં રજુઆતો કરતા તેનો કોઈ ઉકેલ આવતો નથી. આવી પરિસ્થિતિના કારણે ટંકારા પાસે એક સંસ્થા દ્વારા સરકારની આંખ ઉઘાડવા સ્વખર્ચે રીપેરીંગ કરવામાં આવેલ છે. જે ખરેખર સરકાર માટે શરમજનક વાત છે. મોરબી તેમજ માળિયા શહેરની સ્થિતિ પણ ખુબ જ ખરાબ છે. મોરબી શહેરના રસ્તાઓ તો ગયા ઓગસ્ટ મહિનામાં જ કરવામાં આવેલ હતા છતાં પણ તૂટી ગયેલ છે જે એક તપાસનો વિષય છે. તો આ બાબતે પણ આપ સાહેબને યોગ્ય કરવા અમારી વિનંતી છે. આ ઉપરાંત શહેરોમાં ગટર વ્યવસ્થા ખાડે ગયેલ છે. જેના કારણે રોડ પર ગંદા પાણીની નદીઓ વહે છે અને આ ગટરના પાણીના લીધે રોગચાળો ફેલાયો છે. લોકો પરેશાન છે. આ પરિસ્થિતિ કાબુ બહાર જાય તે પહેલા જાગવા અને લોકોને આ નર્કાગાર જેવી પરિસ્થિતિ માંથી બહાર કાઢવા માંગણી છે. અમારી આપને નમ્ર અપીલ છે કે આ બધા રસ્તાઓ તાકાલીક રીપેર કરાવવાના કામો ચાલુ કરો નહીતર બધા લોકો જે પરેશાન થાય છે તેઓ પોતાની મુશ્કેલીઓના કારણે રોડ પર આવી જશે. અમો આપ સાહેબને વિનંતી સાથે જણાવીએ છીએ કે જો આ રોડ રસ્તાના કામો તાત્કાલિક કરવામાં નહિ આવે તો અમારે નાછૂટકે આ વિસ્તારના લોકોને સાથે રાખીને ગાંધી ચિંધ્યા માર્ગે રજુઆતો કરવાની ફરજ પડશે.