મોરબી : તાજેતરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ મોરબી દ્વારા કુટુંબ પ્રબોધન અંતર્ગત 'નવદંપતિ સંવાદ' કાર્યક્રમનું રમણીય વાતાવરણમાં શિશુ મંદિર, શનાળા મુકામે આયોજન કરવામાં આવ્યું હતું. આદર્શ સમાજના નિર્માણ માટે આદર્શ પરિવાર એ પાયો છે. તાજેતરમાં જે યુગલો એ પ્રભુતામાં પગલાં માંડ્યા હોય તેવા 81 યુગલોએ આ માટે રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. ઉપસ્થિત નવદંપતિઓને રાષ્ટીય સ્વયંસેવક સંઘ રાજકોટ વિભાગ કાર્યવાહ ચંદ્રકાંતભાઈ ઘેટિયાએ જણાવેલ કે જીવનસાથી પ્રત્યે પ્રેમ અને મૈત્રીપૂર્ણ વ્યવહાર કરવો જોઈએ. જીવનમાં વ્યવહાર કુશળતા લાવવી જોઈએ, કુટુંબ સંયુક્ત રહે તે બાબતને અગ્રતા આપવી જોઈએ. સહનશીલતા અને સંસ્કારનું સિંચન બાળકોમાં કરવું જોઈએ. ઉપરાંત શિશુ મંદિરના નિયામક સુનિલભાઈ પરમારે જણાવેલ કે લગ્ન જીવનમાં અનેક પડકારો અને મુશ્કેલીઓ આવતી હોય છે. તેને શાંતિપૂર્ણ અને કુનેહથી હલ કરી શકાય તે માટે દંપતિઓએ એકમેકને સહયોગ આપવો જોઈએ. લગ્નજીવન એકમેકના સાથ-સહકાર અને સમજણથી આદર્શ બને તે માટે પ્રયત્ન કરવો જોઈએ. કાર્યક્રમ દરમ્યાન ઉત્સાહપૂર્વ વાતાવરણમાં કવિઝ અને રમતનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. મોરબી જિલ્લા સંઘચાલક લલિતભાઈ ભાલોડિયા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં અલ્પાહાર તથા અન્ય વ્યવસ્થા મોરબી નગરના સ્વયં સેવકોએ જાળવી હતી.