મોરબી: ગંભીર બીમારી ધરાવતા ધૈર્યરાજસિંહની સારવાર માટે થનાર કરોડો રૂપિયાના ખર્ચને પહોંચી વળવા વિવિધ સંગઠનો, સંસ્થાઓ આગળ આવી છે ત્યારે મોરબી રાજપૂત કરણી સેના દ્વારા ધૈર્યરાજસિંહ માટે 40 લાખથી વધુ રકમ એકત્રિત કરી છે. રાજપૂત કરણી સેના મોરબી જીલ્લા પ્રમુખ દેવેન્દ્રસિંહ જાડેજા તથા શહેર પ્રમુખ વિશ્વરાજસિંહ જાડેજાની આગેવાનીમાં રાજપૂત કરણી સેનાના તમામ હોદેદારો તેમજ પુરી ટીમ તેમજ મોરબી રાજપૂત સમાજના યુવાન ભાઈઓ, મિત્રો સહિત સર્વે સમાજના ભાઈઓની મદદથી ટંકારા તાલુકા, વાંકાનેર તાલુકા તેમજ આજુબાજુના ગામડાઓ તથા મોરબી શહેર વિસ્તારમાં છેલ્લા 9 દિવસથી મોરબી રાજપૂત કરણી સેનાએ મુહિમ ચલાવી હતી. ઉપરોક્ત તમામ સ્થળો પરથી મોરબી રાજપૂત કરણી સેનાના સભ્યો દ્વારા રૂપિયા 40,96,500નો ફાળો લોક ભાગીદારીથી એકઠો કરવામાં આવ્યો હતો. ધૈર્યરાજસિંહની મદદ માટે રાજપૂત કારણી સેના મોરબીએ તમામનો આભાર વ્યક્ત કરી તા. 18/3/2021 સાંજથી રાજપૂત કરણી સેનાના બેનર હેઠળ શરૂ થયેલી મુહિમ પુરી થતા હવે મોરબીમાં કોઈ લોકફાળો લેવામાં આવશે નહિ જેની મોરબીની જાહેર જનતા તેમજ સામાજિક સંસ્થાઓએ નોંધ લેવા યાદીમાં જણાવાયું છે.