ચી. હર્ષ અને તૃષાના લગ્ન પ્રસંગે યોજાયેલા કેમ્પમાં 51 રક્તદાતાઓએ રક્તદાન કરી નવદંપતીને અનોખી ભેટ આપીમોરબી : સામાન્ય રીતે લગ્ન પ્રસંગમાં લોકો હર્ષોલ્લાસ અને મોજશોખમાં વ્યસ્ત હોય છે, ત્યારે મોરબીમાં એક પરિવારે લગ્ન પ્રસંગે રક્તદાન કેમ્પનું આયોજન કરીને સમાજને એક નવી અને પ્રેરણાદાયક દિશા ચીંધી છે. ચી. હર્ષ (પ્રીત) રાજપરા અને તૃષા આદ્રોજાના લગ્ન પ્રસંગે રાજપરા અને આદ્રોજા પરિવાર દ્વારા મોરબીની શનાળા પટેલ સમાજ વાડી ખાતે રક્તદાન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.આ સેવાકાર્ય સંસ્કાર બ્લડ બેંક મોરબી અને નાની વાવડી માનવસેવા ગ્રુપના સહયોગથી યોજવામાં આવ્યું હતું. આ રક્તદાન કેમ્પમાં 51 રક્તદાતાઓએ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતું અને નવદંપતીને તેમના નવા જીવનની શરૂઆત માટે રક્તદાન થકી અનોખી અને પ્રેરણાદાયક શુભેચ્છા પાઠવી હતી. લગ્ન જેવા રૂડા પ્રસંગે રક્તદાન કેમ્પનું આયોજન કરી બંને પરિવારોએ સમાજને સાચા અર્થમાં પ્રેરણા પૂરી પાડી છે.આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે નિલેશભાઈ રાજપરા, અમૃતભાઈ આદ્રોજા, જગદીશભાઈ આદ્રોજા, વિપુલભાઈ પડસુંબીયા તેમજ રાજપરા અને આદ્રોજા પરિવારના ઉત્સાહી યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. આ ઉમદા કાર્ય બદલ સંસ્કાર બ્લડ બેન્કના પ્રેરક સદગુરુ પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ નવદંપતીને આશીર્વાદ અને શુભેચ્છા પાઠવી હતી, તેમજ તમામ રક્તદાતાઓ, આયોજકો અને બંને પરિવારોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.#Morbi #MorbiUpdate #MorbiNews #BloodDonation #SocialWork #BloodDonationCamp #Inspiration #Wedding