મોરબી : કડવા પાટીદાર કન્યા કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી રેવાબેન ઓધવજીભાઈ મહિલા કોલેજ દ્વારા બેદિવસીય એડવેન્ચર કમ ટ્રેકિંગ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. જેમાં F.Y. B.Com.માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ બહોળી સંખ્યામાં ઉત્સાહભેર જોડાઈ હતી. આ કેમ્પમાં પ્રથમ દિવસે મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના બાકોર ગામથી 10 કીમી દૂર ગાઢ જંગલ મધ્યે કેમ્પ સાઇટમાં સ્ટે કર્યો હતો. શહેરની વૈભવશાળી લાઈફ સ્ટાઇલ છોડીને નહીવત સુવિધાઓ વચ્ચે પ્રકૃતિનાં સાનિધ્યમાં દોઢ દિવસ પસાર કર્યા હતાં. જંગલમાં ટ્રેકિંગ દરમ્યાન નાના-મોટા ઝાડ, પશું-પક્ષીઓના અવાજ વગેરેની માહિતી મેળવી હતી. દોળાવંતા લેકનો ટ્રેક કરેલ હતો. જેમાં ત્યાંના આજુબાજુના દેશી નળીયાના ઘર તથા ત્યાંના લોકોની જીવનશૈલી વિશેની માહિતી મેળવી હતી. ભાદર રિવર વોટરફોલ વાવકુવા ખાતે વોટરફોલ નિહાળ્યો હતો. ત્યારબાદ મહી નદી પર બંધાયેલા કડાણા ડેમની મુલાકાત કરી હતી તેમજ ત્યાંના હાઈડ્રો પાવર પ્રોજેક્ટ વિશેની પણ માહિતી મેળવી હતી. કડાણા ડેમ પર આવેલો સનસેટ પોઇન્ટ પણ જોયો હતો. લવાણા ગામ ખાતે આવેલ કલેશ્વરી હેરિટેજ સાઇટની પણ મુલાકાત લેવામાં આવી હતી. ત્યાં સાસુ - વહુની વાવ, શીલા લેખ વાળું મંદિર, સ્નાનકુંડ, 240 પગથીયા ઉપર આવેલ ભીમ ચોરી વગેરે જેવી પૌરાણિક જગ્યાની મુલાકાત લીધી હતી. વિદ્યાર્થીનીઓમાં ડર દૂર થાય તે હેતુથી જુદી જુદી 10 પ્રકારની હાઇ રોપ એડવેન્ચર એક્ટિવિટી કરવવામાં આવી હતી. બીજા દિવસે બપોર પછી 51 શક્તિપીઠમાંથી ગુજરાતમાં આવેલ બીજા નંબરની શક્તિપીઠ મહાકાળી માતાજીના પાવાગઢ ખાતે રોપ-વેમાં બેસીને દર્શન કર્યા હતા તથા પર્વત મધ્યે આવેલા દુધિયા તળાવની પ્રદક્ષિણા કરી હતી. પાવાગઢ પર્વત પર આવેલા માચી સુધીના વાંકાચુકા રસ્તાની મુસાફરીનો પણ આનંદ માણ્યો હતો. રાત્રે વડોદરા ખાતે PVR થિયેટરમાં તાજેતરમાં રિલીઝ થયેલ અને ઓસ્કાર એવોર્ડમાં નોમિનેટ થયેલ લાસ્ટ પિક્ચર શો ગુજરાતી મુવી જોયું હતું. બેદિવસીય એડવેન્ચર કમ ટ્રેકિંગ કેમ્પને સફળ બનાવવા રાજકોટ ડિવિઝન હેઠળના મોરબી ST ડેપો દ્વારા બે ડિલક્સ બસની વ્યવસ્થા કરી આપવામાં આવી હતી. આ તકે કોલેજ દ્વારા મોરબી ST વિભાગનો આભાર માનવામાં આવ્યો હતો તથા બંને બસના ડ્રાઇવર હરેશભાઈ ધ્રાગા તથા વિક્રમભાઈ વીરડાનો પણ કોલેજ દ્વારા આભાર માનવામાં આવ્યો હતો. બેદિવસીય એડવેન્ચર કમ ટ્રેકિંગ કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ થાય તે માટે કોલેજના કોમર્સ ડિપાર્ટમેન્ટના HOD મયુરભાઈ હાલપરા તથા અધ્યાપકગણમાં હાર્દિકભાઈ દલસાણીયા, દ્રષ્ટિબેન, સ્નેહાબેનએ ભારે જહેમત ઉઠાવી હતી.