પુસ્તક વાંચનના શોખીન લખધીરજીએ વાંચન પ્રેમીઓ માટે શરૂ કરેલી લાઇબ્રેરીમાં 2500 અલભ્ય પુસ્તકો ભેટમાં આપ્યા હતા : હાલ આ લાઇબ્રેરીમાં 10 હજાર જેટલા પુસ્તકોનો ખજાનો : પુસ્તક પ્રેમીઓ અને વિવિધ સંસ્થાઓના પ્રયાસોથી ત્રણ વર્ષમાં યુવા વાચકો વધ્યા મોરબી : મોરબીમાં સૌપ્રથમ લાઇબ્રેરી શરૂ કરવામાં તત્કાલીન રાજવી મહારાજા લખધીરજીનો સિંહ ફાળો છે.દીર્ઘદ્રષ્ટા અને પુસ્તકોના ઉડા અભ્યાસુ મહારાજ લખધીરજીએ નગરવાસીઓ પુસ્તકો વાંચતા થાય તે માટે 1937માં લાઈબ્રેરી શરૂ કરી હતી અને તેમણે પોતાની પાસે રહેલા 2500 જેટલા અલભ્ય પુસ્તકોનો ખજાનો આ લાઈબ્રેરીને ભેટમાં આપી દીધો હતો.આ 82 વર્ષ જૂની આ લાઈબ્રેરી આજે પણ સમૃદ્ધ છે.જેમાં વિવિધ વિષયના 10 હજાર જેટલા પુસ્તકો છે.જેમાં માત્ર વૃદ્ધો જ નહીં પણ યુવાનો પણ નિયમિત વાંચવા આવે છે.જોકે મોરબીના યુવાનોમાં પુસ્તકપ્રેમ જગાડવા માટે પુસ્તક પ્રેમીઓ અને વિવિધ સંસ્થાઓ ભારે પ્રયાસો કરી રહી છે.જેને કારણે ત્રણ વર્ષમાં યુવા વચકોની સંખ્યા વધી રહી છે. મોરબીમાં મહારાજા લખધીરજીએ વર્ષ 1937માં સૌપ્રથમ લાઈબ્રેરી શરૂ કરી હતી. મહારાજ લખધીરજીના નામની ચાલતી આ 82 વર્ષ જૂની લાઈબ્રેરી મોરબીના ત્રિકોણ બાગ એસબીઆઈ બેક શાખા પાસે હાલમાં પણ કાર્યરત છે. લખધીરજી પુસ્તકોના ઉડા અભ્યાસુ હતા અને દીર્ઘદ્રષ્ટા હતા.આથી પુસ્તકોમાં રહેલો જીવનનો સાચો મર્મ નગરવાસીઓ જાણી સમજી શકે તે માટે તેમને ટ્રસ્ટ બનાવી 20 જેટલી પ્રવૃત્તિ શરૂ કરી અને તેના નિભાવ માટે બેકમાં રૂ.1 કરોડ રૂ. મુકેલા જેના વ્યાજમાંથી આ લાઈબેરી સહિત ની પ્રવૃત્તિ ચાલુ છે.તેમની પાસે રહેલા 2500 જેટલા અલભ્ય પુસ્તકોના ખજાનાને શહેરીજનોના લાભાર્થે લાઇબ્રેરીમાં અર્પણ કરી દીધો હતો. 45 વર્ષથી આ લાઈબ્રેરીનું કાર્ય સભળતા અને 60 વર્ષથી સભ્ય રહેલા અનિલભાઈ કંસારાએ જણાવ્યું હતું કે, લાઈબ્રેરી શરુ થઈ ત્યારે 2500 પુસ્તકો હતા.ખાસ કરીને ધાર્મિક અને વિશ્વકોશ મેંક્ષ મ્યુલરના તમામ પુસ્તકો જર્મનીમાંથી મંગાવેલા હતા અને શંકરલાલ શાસ્ત્રીના જીવન ચરિત્રના પુસ્તકો છે.જે બીજે ક્યાંય નથી.માત્ર મોરબીમાં ઉપલબ્ધ છે.ઉપરાંત લિબડી, ગોંડલ, પોરબંદર તથા બીજા રાજ્યના ઇતિહાસના પુસ્તકો હજુ પણ સચવાયેલા છે.બહુ જ જુના પુસ્તકો આજે પણ વાંચવા મળે છે.હાલ 10 હજાર જેટલા પુસ્તકો છે.જોકે લખધીરજીએ તે સમયે પુસ્તકોના સંગ્રહ માટે 27 કબાટ અને વાંચન માટે ચાર ટેબલની વ્યવસ્થા કરી હતી.વાંચવા માટે પુસ્તકો ઉપરાંત વિવિધ સામયિકો અને સ્પર્ધાત્મક પરીક્ષાનું સાહિત્ય ઉપલબ્ધ છે. લાયબ્રેરીમાં ખાસ વાંચવાની વ્યવસ્થા કરવામાં આવી છે.જેમાં 23 જેટલા વિદ્યાર્થીઓ લાભ લઇ રહ્યા છે. લાઈબેરીમાં માત્ર વૃદ્ધો જ નહીં પણ ઘણા યુવાનો નિયમિત વાચવા આવે છે. મોરબીમાં ઘણા સમયથી યુવાનો પુસ્તકથી સુગ અનુભવી રહ્યા હોવાની ફરિયાદ હતી.તેથી યુવાનો પુસ્તકો વાંચતા થાય તે માટે પુસ્તકપ્રેમીઓ અને સંસ્થાઓઓ આગળ આવી છે.જેમાં ઘનશ્યામભાઈ ડાંગરએ લાઈબેરી શરૂ કરી હતી.જેમાં તેમની પાસે 2 હજાર પુસ્તકો છે.તેઓ નિયમિત લોકોના ઘરે વિનામૂલ્યે પુસ્તકો વાંચવા માટે આપવા જાય છે અને પરત પણ લઈ આવે છે.આવી જ રીતે સામાકાંઠે રહેતા સુરેશભાઈ ચાવડા પણ મીની લાઈબ્રેરી ચલાવે છે અને યુવાનોને વાંચવા માટે પ્રેરી રહ્યા છે.ઉપરાંત પુસ્તક પરબ ટીમ પણ બે વર્ષથી યુવાનોને વાંચવા માટે સારી સુવિધા આપીને વાંચવા માટે પ્રેરણા આપી રહી છે.તે ઉપરાંત યુવા જ્ઞાનોત્સવના માધ્યમથી લોકોને પણ મનગમતા પુસ્તકો ખાસ ડિસ્કાઉન્ટથી મળ્યા હોવાથી છેલ્લા ત્રણ વર્ષમાં વાંચન માટે ભારે જાગૃતિ આવી છે.એક એવરેજ મુજબ હાલ 2 હજાર જેટલા નિયમિત વાચકો છે.મોટી વયના લોકો અધ્યાત્મના પુસ્તકો અને યુવાનો મોટિવેશન અને નોલજ તથા નવલકથાના પુસ્તકો વાંચે છે. મોરબીમાં આઠથી વધુ જાહેર વાંચનાલય મોરબીમાં આઠથી વધુ જાહેર વાંચનાલય ઘણા સમયથી કાર્યરત છે.જેમાં મોરબી નગરપાલિકા સંચાલિત શાક માર્કેટ અને સામાકાંઠે કેસરબાગમાં તથા તાલુકા સેવાસદનમાં લાઈબેરી આવેલી છે.આ ઉપરાંત લખધીરજી લાઈબ્રેરી, વિવેકાનંદ લાઈબ્રેરી અને નરસંગ ટેકરી મંદિરમાં લાઈબ્રેરી ચાલે છે.તેમજ કેટલાક જાગૃત યુવાનો દ્વારા બે વર્ષથી પુસ્તક પરબ ચાલે છે.જેમાં યુવાનો પુસ્તકો નિયમિત વાંચવા લઈ જાય છે.તથા સ્વારંગન સ્ટુડયોમાં હંસરાજ ગામીએ નાની લાઈબ્રેરી બનાવી છે.જેમાં અઢકળ પુસ્તકોનો ખજાનો છે.આ તમામ લાઈબ્રેરીમાં હમણાંથી યુવા વાચકો વધ્યા છે.