માતૃવિયોગનું દુઃખ હું સમજી શકું છું, માતાના સંસ્કાર કાયમ પરિવારને માર્ગદર્શન આપતા રહેશે: પીએમ મોદીમોરબી : મોરબીના જાણીતા તબીબ અને RSS પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક ડો. જયંતિભાઈ ભાડેસિયાના માતા ચંપાબેનનું તાજેતરમાં અવસાન થયું હતું. આ દુઃખદ ઘટનાની નોંધ લઈ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શોક સંદેશ પાઠવી પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે.પત્રમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અત્યંત આત્મીયતાપૂર્વક જયંતિભાઈને સંબોધન કરતા જણાવ્યું હતું કે, 'આપના માતા ચંપાબેનના અવસાનના સમાચાર જાણી મને ઘણું દુઃખ થયું છે. શોકની આ ઘડીમાં મારી સંવેદના આપના અને આપના પરિવાર સાથે છે.'વડાપ્રધાને માતાની ગેરહાજરીથી સર્જાતા ખાલીપા વિશે લાગણી વ્યક્ત કરતા લખ્યું હતું કે, 'માતાની વિદાયથી જીવનમાં આવી પડેલા ખાલીપણાનું દુઃખ હું સમજી શકું છું. માતાના અસ્ખલિત પ્રેમની ગહનતા માત્ર અનુભવી શકાય છે.' તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ભલે તેઓ હવે સદેહે આપણી વચ્ચે નથી, પરંતુ તેમના દ્વારા મળેલું સંસ્કારનું ભાથું પરિવાર માટે કાયમ માર્ગદર્શન કરતું રહેશે. અંતમાં, વડાપ્રધાને પ્રભુ સદગતના આત્માને શાંતિ આપે તેવી પ્રાર્થના કરી સમગ્ર ભાડેસિયા પરિવારને દિલસોજી પાઠવી હતી.