મોરબી : મોરબીના ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ એસોસિયેશનના જનરલ સેક્રેટરી કાન્તિલાલ ડી. બાવરવા દ્વારા લોકડાઉન અન્વયે ખેડૂતોને પડતી મુશ્કેલીઓ નિવારવા માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવેલ છે. આ રજૂઆત અનુસાર હાલમાં કોરોનાની મહામારીના કારણે પ્રધાનમંત્રી દ્વારા 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે. જેના કારણે લોકો પ્રધાનમંત્રીના આદેશને માન આપીને પોતપોતાના ઘરમા જ રહે છે. ત્યારે આજના દિવસોમાં સૌથી ખરાબ જો કોઈની પરિસ્થિતિ હોય તો તે ખેડૂતોની છે. ખેડૂતોનો પાક ખેતરમાં તૈયાર થઈને પડેલો છે. બહાર જઈ શકાતું નથી. મજૂરો જે હતા તે વતનમાં જવા નીકળી ગયા છે. વધમાં, કમોસમી વરસાદ પણ થયો છે. જેથી, પાકોમાં નુકશાની થઈ છે. ત્યારે ખેડૂતોની માંગણી છે કે પાકને રક્ષણ માટેની કોઈ વ્યવસ્થા થાય તો પણ ઘણું. થયેલ પાકના વેચાણ માટે કોઈ વ્યવસ્થા કરાઈ અને પાકના પૂરતા પોષણક્ષમ ભાવો મળે. વધુમાં, રજૂઆતમાં જણાવેલ છે કે કપાસનો પાક ખેડૂતોના ખેતરમાં તેમજ અમુકનો પોતાના ઘરમાં પડેલો છે. જેનું કોઈ લેવાલ નથી. ઘઉંનો જે પાક ખેતરમાં પડ્યો છે. વરસાદથી તેમાં ખુબ જ મોટી નુકશાની થઈ રહી છે. તેમજ શાકભાજીના પાકોમાં ટ્રાન્સપોરટિંગના આભાવે ફેકી દેવાનો સમય આવેલ છે. અને સામે જ્યાં શહેર વિસ્તારમાં તેની જરૂરત છે. તે લોકોને મળતું નથી અને જે મળે છે તે પણ ખુબ જ ઊંચા ભાવે મળે છે. તેવી જ રીતે ફળ-ફૂલની અને જીરું, વરિયાળી, રાયડો તેમજ અન્ય પાકોની સ્થતી પણ ખરાબ જ છે. ત્યારે રજૂઆતમાં એવી માંગણી કરાઇ છે કે આ ખેડૂતો ને પોતાના ખેતરમાં કામ કરતાં મજૂરોને સરકાર તરફથી જે સહાય આપવાની છે. તેની વ્યવસ્થા મજૂરો જે તે જ્ગ્યા એ રહે છે ત્યાં જો તેની પાસે ત્યાનું રેશન કાર્ડ ના હોય તો પણ સહાય આપવામાં આવે. આ ઉપરાંત, ખેડૂતોને તેના ઉત્પાદન-વેચાણ માટેની કોઈ એવી વ્યવસ્થા ગોઠવવામાં આવે કે ખેડૂતોને પૂરતા ભાવ મળે અને તેનો પાક પણ વેચી શકે.