મોરબી : હવે તો મોરબી શહેરના ખખડી ગયેલા રોડ-રસ્તા અને સફાઈની કામગીરી અંગે જિલ્લા સહિત સમગ્ર રાજ્યની પ્રજાને જાણકારી મળી ગઈ છે અને સ્થાનિક નગરજનો સહિત બહારથી આવાગમન કરતા લોકોમાં પણ આ અંગે ભારોભાર નારાજગી પ્રવર્તી રહી છે ત્યારે શહેરની વિકસી રહેલી અને વિકસી ચુકેલી સોસાયટીઓમાં બિસ્માર થઈ ગયેલા રોડ રસ્તાની હાલત સુધારવાનું તંત્રવાહકો નામ લેતા નથી. આવો જ એક કિસ્સો રવાપર ગામની સોસાયટીમાં સામે આવ્યો છે. મોરબીના રવાપર ગામની રામસેતુ સોસાયટીમાં વીસમી સદીના કોઈ પછાત ગામડાની યાદ અપાવે એવા દ્રશ્યો સામે આવ્યા છે. વાહનો લઈને નીકળવું તો ઠીક પણ પગપાળા નીકળવું પણ મુશ્કેલ બને એવી દુર્દશા વાળા આંતરિક રસ્તાઓથી સ્થાનિકો ત્રસ્ત બન્યા છે. ચોંકાવનારી બાબત એ છે કે આ સોસાયટીનો રોડ બે વર્ષ પૂર્વે મંજુર થઈ ગયો હોવા છતાં હજુ નવો રોડ બન્યો નથી. સ્થાનિકોના મનમાં આ બાબતે પણ અનેક શંકા-કુશંકાઓ ઉઠી રહી છે. ત્યારે હવે જોવું રહ્યું કે સ્થાનિકોની શંકાનું સમાધાન કઈ રીતે થાય છે અને આ મુશ્કેલીમાંથી લોકોને ક્યારે છુટકારો મળે છે એ આવનારો સમય દર્શાવશે.