મોરબી : ઇન્ટર નેશનલ હ્યુમન રાઇટ એસોસિયેસન દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની જોગવાઈ મુજબ જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય લેવલ ની કમિટી ની રચના કરી સાર્વજનિક કરવા અંગે રજૂઆત કરવામાં આવી હતી. આ રજુઆતમાં જણાવ્યા અનુસાર હાલમાં પાકની નુક્સાનીના સર્વે ચાલી રહ્યા છે ત્યારે મુખ્યમંત્રીએ મોરબીની મુલાકાત દરમિયાન આપેલ હૈયાધારણા બાબતે ખેડૂતો શંકાની નજરે જોવે છે. કારણ કે અછતના મેન્યુલની જોગવાઈઓની અમલવારી તો હજુ સુધી સરકાર દ્વારા કરવામાં આવેલ નથી. પરંતુ જો ગુજરાત સરકારના કૃષિ અને સહકાર વિભાગ દ્વારા કરવામાં આવેલ ઠરાવ ક્રમાંક ન. 102016-1852-6-9. સચિવાલય ગાંધીનગર તા. 09/09/2016ની જોગવાઈઑ મુજબ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજનાની ઓપરેશન ગાઈડ લાઇન મુજબ જુદા-જુદા ૪ પ્રકારના જોખમો માટે કમિટીઓની રચના કરવી જરૂરી છે. જેમાં જિલ્લા કક્ષાની કમિટી, તાલુકા કક્ષાની કમિટી, ગ્રામ્ય કક્ષાની કમિટીની રચના કરવાની જોગવાઈઑ મુજબની કમિટીઑ બનાવીને તેને તાત્કાલિક સાર્વજનિક કરવામાં આવે તેવી માંગ કરાઈ છે. અરજી મુજબ સરકાર દ્વારા ખેડૂતોને ૭૨ કલાકમાં અરજી કરવાનું કહેવામા આવે છે. પરંતુ વીમા કંપનીને ૭ દિવસમાં સર્વે કરી નક્કી કરેલ સમયમાં વીમો ચૂકવાય તે બાબતે કોઇ સૂચના આપવામાં આવતી હોય તેવું ધ્યાનમાં આવેલ નથી. જો આવી સૂચના વીમા કંપનીને આપવામાં આવેલ હોય તો તેને પણ સાર્વજનિક કરવામાં આવે તેવી માગણી કરાઈ છે. આ ઉપરાંત, જે તે ગામમાં વીમા કંપનીના પ્રતિનિધિઑ સર્વે કરવા જાય ત્યારે આ ગ્રામ્ય ક્ક્ષાની કમિટીને સાથે રાખે અને સર્વેના રિપોર્ટમાં નુકશાનની ટકાવારી લખીને તેની એક નકલ જેને ખેડૂતને તથા જે તે ગામની કમિટીને આપવામાં આવે તેવી લેખિત રજૂઆત ઇન્ટર નેશનલ હુમાન રાઇટ એસોસિયેસન દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને કરવામાં આવી હતી. જેની નકલ વિધાનસભા નેતા પરેશ ધાનાણીને મોકલવામાં આવી હતી.