મોરબીની અન્ય પોસ્ટ ઓફિસો અને માળીયા ટંકારામાં પણ પેમેન્ટ ન સ્વીકારવામાં આવતા અંધાધૂંધી મોરબી : જુદી - જુદી સરકારી ભરતી પ્રક્રિયામાં મોરબીની મુખ્ય પોસ્ટ ઓફીસ સિવાય ક્યાંય પેમેન્ટ સ્વીકારવામાં આવતા ન હોવાથી યુવાનો - યુવતીઓ હાલાકીનો ભોગ બની રહ્યા છે, મોરબી ઉપરાંત ટંકારા અને માળીયામાં પણ સરકારી ભરતીના પેમેન્ટ સ્વીકારાતા ન હોવાથી ટંકારા અને માળીયાના ઉમેદવારોને પણ મોરબી ધક્કા થઈ રહ્યા છે. પ્રાપ્ત વિગતો મુજબ જુદી જુદી ૩૧ જેટલી ભરતી પ્રક્રિયામાં ફોર્મ ભરનાર યુવાનોના ઓનલાઇન પેમેન્ટ માટે મોરબીની મુખ્ય પોસ્ટ ઓફીસ સિવાય ક્યાંય વ્યવસ્થા ન હોવા ઉપરાંત મુખ્ય પોસ્ટ ઓફિસમાં પણ એક જ કાઉન્ટર ઉપર પૈસા સ્વીકારવામાં આવતા હોવાથી દરરોજ ઉમેદવારોને સવારથી સાંજ સુધી પોસ્ટ ઓફિસમાં કતારમાં ઉભા રહી હેરાન થવું પડે છે. વધુમાં મુખ્ય પોસ્ટ ઓફિસમાં એક કોમ્પ્યુટર પર વધુમાં વધુ ૨૦૦ લોકોના નાણાં જ સ્વીકારવામાં આવી રહ્યા છે સામે પક્ષે દરરોજ ૭૦૦ થી વધુ લોકો ઓનલાઇન પૈસા ભરવા આવી રહ્યા હોવાથી અવ્યવસ્થા સર્જાતા પોલીસને દરમિયાનગીરી કરવી પડતી હોવાનું પણ બહાર આવ્યું છે. આ સંજોગોમાં મોરબી પોસ્ટમાસ્તર દ્વારા તમામ પોસ્ટ ઓફિસમાં નાણાં સ્વીકારવાની વ્યવસ્થા ગોઠવી પુરુષ મહિલા ઉમેદવારો માટે અલગ વ્યવસ્થા ગોઠવે એવી માંગણી ઉઠવા પામી છે.