ભીડનો લાભ લઈને કોઈ વ્યક્તિ કોઈ મહિલા કે યુવતી સાથે ગેરવર્તન ન કરે તેમજ મહિલાઓને અવરજવરમાં કોઈ તકલીફ ન થાય તે માટે શી ટીમની ગાડીઓ દ્વારા સતત પેટ્રોલિંગ કરાઈ છેમોરબી: શક્તિની આરાધનાના પર્વ નવરાત્રિનો માહોલ ધીમે ધીમે જામી રહ્યો છે અને આજે સાતમું નોરતું હોવાથી ગરબાના સ્થળો પર લોકોની ભીડ પણ વધતી જઈ રહી છે. જાહેર જનતાની સલામતી, ખાસ કરીને મહિલાઓની સુરક્ષા જળવાઈ રહે અને કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મોરબી જિલ્લા પોલીસ ખાસ કરીને શી ટીમ દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે.મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મોરબી પોલીસની 'શી ટીમ' ખૂબ જ સક્રિય ભૂમિકા ભજવી રહી છે. આ ટીમો દરેક નવરાત્રિના આયોજન સ્થળે ટ્રેડિશનલ ડ્રેસ કે ફ્રી ડ્રેસ પહેરીને ફરજ બજાવે છે અને આસપાસના વાતાવરણ પર ચાંપતી નજર રાખે છે.હાલ મોરબી જિલ્લામાં કુલ ચાર શી ટીમો કાર્યરત છે. જેમાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનની શી ટીમ આ વિસ્તારમાં યોજાતા તમામ નવરાત્રિ સ્થળોએ ફ્રી ડ્રેસ અથવા ટ્રેડિશનલ ડ્રેસમાં સતત એલર્ટ રહે છે. આ ટીમોનો મુખ્ય ઉદ્દેશ્ય એ સુનિશ્ચિત કરવાનો છે કે ભીડનો લાભ લઈને કોઈ વ્યક્તિ કોઈ મહિલા કે યુવતી સાથે ગેરવર્તન ન કરે.મહિલા ખેલૈયાઓ અને મુલાકાતીઓને અવરજવરમાં કોઈ તકલીફ ન થાય તે માટે શી ટીમની ગાડીઓ સતત પેટ્રોલિંગ કરે છે અને દરેક નવરાત્રિ સ્થળની નિયમિત મુલાકાત લે છે. જો કોઈ વ્યક્તિ રોમિયોગીરી કરતો કે ગેરવર્તણૂક કરતો જોવા મળે તો તેની સામે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. મોરબી પોલીસની આ વિશેષ પહેલને કારણે નવરાત્રિ પર્વ શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં ઉજવાઈ રહ્યો છે.