મોરબી : શરીર સંબંધી ગુન્હો કરવાની ટેવ ધરાવતા મોરબીના બે શખ્સોને એ.ડીવી. પોલીસ તેમજ એલ.સી.બી.એ ઝડપી વોરંટના આધારે વડોદરા તેમજ સુરતની જેલ ખાતે ધકેલી દીધા છે. મોરબી સી.ટી. એ.ડીવી. પોલીસ સ્ટેશન વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હુસેન સીદીકભાઈ ખોડ, રહે. જોન્સ નગર, શેરી નંબર 11 વિરુદ્ધ પાસાની દરખાસ્ત કરવામાં આવી હતી. આ શખ્સ ખૂબ ચાલક તેમજ ખૂંખાર હોય વોરંટની બજવણી કરવા માટે એક ટીમ તૈયાર કરાઈ હતી. જેમાં પો.ઇન્સ. આર.જે.ચૌધરી, પો.સબ.ઇન્સ. વી.કે.ગોંડલીયા સહિત એ.ડીવી. પો.મથકનો અન્ય સ્ટાફ, તમામ ચોકી/બીટનો સ્ટાફ અને એલ.સી.બી.ની જુદી-જુદી ટીમો તૈયાર કરાઈ હતી. ઉપરોક્ત શખ્સના છુપાવવાના સ્થળોને ચારેબાજુથી કોર્ડન કરી લઈ તેને પકડવા જતા હુસેને ભાગવાની કોશિશ કરી હતી. પણ ડી. સ્ટાફના પો.કોન્સ. જયપાલભાઈ લાવડીયા, લાતી ચોકીના હેડ.કોન્સ. મોમજીભાઈ ચૌહાણ અને પો.કોન્સ. ભાવેશભાઈ મિયાત્રાએ હુસેનને કોર્ડન કરી દબોચી લીધો હતો. ત્યાર બાદ હુસેનને પો.સ્ટે. લઈ આવી પાસાના વોરંટની બજવણી કરતા કાગળો કરી વડોદરાની મધ્યસ્થ જેલમાં ચુસ્ત બંદોબસ્ત સાથે મોકલી આપ્યો હતો. આ ઉપરાંત જોન્સ નગરમાં લુકસ ફર્નિચર વાળી શેરીમાં રહેતો અને શરીર સંબંધી ગુન્હાઓ આચરવાની ટેવ ધરાવતા એજાજ નૂરમહમદ જામને પણ પાસાની પ્રપોઝલ હેઠળ દબોચીને મોરબી એલ.સી.બી.ના પો.ઇન્સ. વી.બી.જાડેજાની ટીમ દ્વારા ઝડપીને સુરત મધ્યસ્થ જેલ હવાલે કરાયો હતો.