એલસીબીની ટીમે દારૂ અને કાર સહિત કુલ રૂ. 1.51 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો મોરબી : મોરબીના જેતપર ગામ નજીક એલસીબી (લોકલ ક્રાઈમ બ્રાન્ચ)ની ટીમે વિદેશી દારૂ ભરેલી કારનો પીછો કરીને રૂ. 42 હજારથી વધુ કિંમતના ઈંગ્લિશ દારૂ સાથે ત્રણ આરોપીઓને ઝડપી લીધા હતા. એલસીબીની ટીમે દારૂ અને કાર સહિત કુલ રૂ.1.51 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. મોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરાએ જિલ્લામાં દારૂ-જુગારની બદી નાબૂદ કરવાની સૂચના આપતા એલસીબી પીઆઇ વી.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ ગતરાત્રે પીએસઆઇ એન.બી.ડાભી સહિતના પોલીસ સ્ટાફ નાઈટ પેટ્રોલીગમાં હતા. ત્યારે એલસીબી સ્ટાફના પૃથવજરાજસિંહ જાડેજા અને સહદેવસિંહ જાડેજાને ખાનગી રાહે બાતમી મળી હતી કે એક મારુતિ અલ્ટો કાર નંબર જી.જે.27 સી 1686 માં ઈંગ્લિશ દારૂનો જથ્થો ભરીને કચ્છથી મોરબી તરફ આવી રહી છે. આ પ્રકારની બાતમી મળતા દારૂ ભરેલી કારને પકડી લેવા એલસીબીના સ્ટાફે મોરબી-માળીયા હાઇવે ઉપર નાગડાવાસ ગામ નજીક વોચ ગોઠવી હતી. ત્યારે ઉપરોક્ત નંબરવાળી કાર નીકળતા પોલીસે કાર રોકવાની કોશિશ કરી હતી. પણ કારચાલકે કાર ભગાવી મુકતા પોલીસે પણ જેતપર ગામ સુધી પીછો કરીને કારને ઝડપી લીધી હતી. પોલીસે કારમાંથી રૂ. 42300 ની કિંમતની 132 નંગ ઈંગ્લિશ દારૂની બોટલો તથા કાર મળીને કુલ રૂ. 1,51,300ના મુદ્દામાલ સાથે ત્રણ આરોપીઓ લાલાભાઈ ઉર્ફે ભાવલો મહાદેવભાઈ બોહરિયા, રાજુભાઇ વજાભાઈ ખીંટ, શંભુભાઈ રૂખડભાઈને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે.