મોરબી પોલીસ મથકમાં સર્જાયા લાગણી સભર દ્રશ્યો : જામનગરના ભૂલા પડેલ બાળકને માતાને સોપાયો મોરબી : મારે મારા મમ્મી સાથે નથી જવું મને તો અહીં પોલીસ સાથે જ રહેવું છે....જી હા...ગઈકાલે મોરબીમાં જામનગરથી ફરવા આવેલા બાળકને તેના મિત્રએ અધવચ્ચે છોડી દેતા આ બાળક મુશ્કેલીમાં મૂકાયો હતો. જો કે આ બાળક પોલીસને મળી આવ્યા બાદ પોલીસે તે બાળકની સાથે સદ્દભાવનાભર્યા વ્યવહાર કરવામાં આવતા બાળકને એવી તો મજા આવી કે મમ્મી સાથે જવા ઇનકાર કરી દીધો હતો. જો કે બાદમાં બાળકને સમજાવી તેની માતાને સોંપી દઇને પોલીસ ખરેખર પ્રજાની હમદર્દ હોવાનું યથાર્થ ઠેરવ્યું હતું. મળતી માહિતી મુજબ જામનગરના દરબારગઢ ચોક પાસેના ઝૂંપડામાં માતા સાથે જ રહેતા અને ચાની લારી પર કામ કરતા ૧૦ વર્ષીય બાળક દેવા કિશોરભાઈ સલાટ બે દિવસ પહેલા મિત્ર સાથે જામનગરથી ટ્રેન મારફતે વાંકાનેર બાદ મોરબીમાં આવ્યો હતો. પરંતુ આ બાળકને તેના મિત્રએ અધવચ્ચે છોડીને ચાલ્યો જતા મોરબીના ત્રિકોણબાગ નજીક સીપીઆઈ કચેરી પાસે આ બાળક ભૂલો પડી ગયો હતો. અને રડતી હાલતમાં ત્યાંના ટ્રાફીક પોલીસને મળી આવ્યા બાદ ટ્રાફીક પોલીસે તેને મોરબી એ ડીવીઝન પોલીસને સોંપી દીધો હતો. પોલીસે આ બાળકના વાલીવારસ અને રહેઠાણની માહિતી મેળવીને જામનગરનો હોવાનું જાણવા મળતાં આ અંગે જામનગર પોલીસને વાકેફ કરી હતી. જામનગરમાં આ બાળક એક દિવસથી ગૂમ હોવાથી હરકતમાં આવેલી જામનગર પોલીસે રાત્રે બાળકના ઘરે દોડી જઇને તેની માતાને જાણ કરી હતી અને બાળકની માતા તેજલબેન કિશોરભાઈ સલાટને તેમનો બાળક મોરબી હોવાની ખબર પડતાં તેઓ મોરબી એ ડીવીઝન દોડી આવ્યા હતાં. બીજી તરફ બાળકના ખાન-પાન સહિતની વ્યવસ્થા કરીને પોલીસે સાચવ્યો હોવાથી શરુઆતમાં તેની માતા પાસે પણ ગયો ન હતો. અંતે પીએસઆઈ એમ.વી. પટેલ સહિતના પોલીસ સ્ટાફે બાળકને તેની માતાને સોંપી દીધો હતો. તેજલબેનની આર્થિક સ્થિતિ એટલી નબળી હતી કે, તે મોરબી આવવા માટે કોઇ પાસેથી ઉછીના પૈસા લઇને આવ્યા હતાં. અને પરત જવા માટે પૈસા ન હોવાથી પોલીસે તેમની મદદ કરીને પોલીસ ફરજ પ્રત્યે એકદમ નિષ્ઠાવાન હોવાનું પૂરવાર કર્યું હતું. [gallery size='full' td_select_gallery_slide='slide' ids='36724,36725']