ગળે બ્લેડ ફેરવી દેતા ખાનગી હોસ્પિટલમાં સારવારમાં ખસેડાયો મોરબી : મોરબીમાં એલસીબી ટીમે દારૂના કેસમાં ઝડપી લીધેલા આરોપીએ પોલીસ કસ્ટડીમાં ગળાના ભાગે બ્લેડ ફેરવી દઈ આપઘાત કરવાની કોશિશ કરતા ખળભળાટ મચી ગયો છે, હાલ આત્યંતિક પગલું ભરી લેનાર યુવાનને પોલીસ નિગેહબાની હેઠળ ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો છે. જાણવા મળતી વિગતો મુજબ ગઈ કાલે મોરબીના મકનસર ગામેથી ઈંગ્લીશ દારૂની 15 બોટલ સાથે પકડાયેલ કલ્પેશ અનંતરાય નિમાવત નામના યુવાને ગઈકાલે સાંજે એલસીબી કચેરીમાં જ પોતાના ગળા ઉપર બ્લેડ ફેરવી લેતા લોહી નિકળતી હાલતમાં આ યુવાનને પોલીસે ક્રિષ્ના હોસ્પિટલમાં સારવારમાં ખસેડ્યો હતો. વધુમાં દારૂના ગુન્હામાં ઝડપાયેલા યુવાને આપઘાતની કોશિશ કરી હોવાની ઘટનાને એલસીબીના સતાવાર સૂત્રોએ સમર્થન આપ્યું હતું, ઉલ્લેખનીય છે કે પોલીસ કસ્ટડીમાં બાવાજી યુવાને આ પગલું ભરતા મોરબીમાં તરેહ તરેહની ચર્ચા વચ્ચે હાલતો યુવાનના પરિજનોએ ચુપકીદી સેવી લીધી હોવાનું બહાર આવ્યું છે.