મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં 2022 માં નોંધાયેલા ગુનામાં 35 વર્ષીય આરોપીને કસૂરવાર ઠેરવાયો, ભોગ બનનારને રૂપિયા 4.21 લાખનું વળતર ચૂકવવા આદેશમોરબી : મોરબીની પોકસો કોર્ટે સગીરાનું અપહરણ કરી લગ્નની લાલચ આપી દુષ્કર્મ ગુજારવાના કેસમાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકારતો ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. આ ઉપરાંત ભોગ બનનાર સગીરાને રૂપિયા 4,21,500 નું વળતર ચૂકવવા પણ આદેશ કર્યો છે.ફરિયાદ પક્ષના કેસ મુજબ, ગત તારીખ 16-06-2022 ના રોજ બપોરના 3 થી 5:30 વાગ્યાના સમયગાળા દરમિયાન આરોપી બળદેવભાઈ ઉર્ફે સુરેશભાઈ મુળજીભાઈ શેખવા (ઉંમર વર્ષ 35, રહે. પ્રેમજીનગર-મકનસર, મોરબી, મૂળ રહે. કુડા, તા. ધ્રાંગધ્રા) દ્વારા 15 વર્ષ અને 09 માસની સગીર વયની દીકરીનું અપહરણ કરવામાં આવ્યું હતું. આરોપી ભોગ બનનાર સગીર હોવાનું જાણતો હોવા છતાં તેને લલચાવી ફોસલાવી, લગ્નની લાલચ આપી ભગાડી ગયો હતો અને સંમતિ આપવા સક્ષમ ન હોવા છતાં તેની સાથે વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં એ પાર્ટ ગુના રજીસ્ટર નંબર 0970/2022 થી ગુનો નોંધવામાં આવ્યો હતો.આ કેસ મોરબીના અધિક જજ (પોકસો) અને બીજા અધિક સેશન્સ જજની કોર્ટમાં ચાલી જતા ન્યાયાધીશે દસ્તાવેજી પુરાવાઓ ધ્યાને લઈને આરોપી બળદેવભાઈ ઉર્ફે સુરેશભાઈ મુળજીભાઈ શેખવાને વિવિધ કલમો હેઠળ કસૂરવાર ઠેરવ્યો છે. સ્પે.પોકસો કેસની સુનાવણી બાદ ન્યાયાધીશે આરોપી બળદેવભાઈ શેખવાને વિવિધ કલમો હેઠળ દોષિત જાહેર કરી આરોપીને આઈપીસીની કલમ 5(I) અને 6 હેઠળ 20 વર્ષની સખ્ત કેદની સજા ફટકારવામાં આવી છે. આ ઉપરાંત આરોપીએ ભોગ બનનારને 4.21 લાખનું વળતર ચૂકવવા આદેશ કરવામાં આવ્યો છે. આ કેસમાં મદદનીશ સરકારી વકીલ એન.ડી.કારીઆ રોકાયેલ હતા.#Morbi #MorbiUpdate #MorbiNews #POCSOCourt #MorbiPolice #Justice #CrimeNews #GujaratNews