ભાજપ કોંગ્રેસના જીતના દાવાઓ વચ્ચે આવતીકાલે ફેંસલો મોરબી : મોરબી નગરપાલિકાના ત્રણ વોર્ડમાં છ બેઠકો માટે યોજાયેલ પેટાચૂંટણીમાં ગઈકાલે માત્ર ૪૩.૫૧ ટકા જેટલું ઓછું મતદાન થતા ચૂંટણી લડતા ઉમેદવારોની ઊંઘ હરામ થઈ ગઈ છે, જો કે, ભાજપ કોંગ્રેસ બન્ને દ્વારા જીતના દાવા કરવામાં આવી રહ્યા છે ત્યારે આવતીકાલે મતગણતરી બાદ કોન કિતને પાની મેં ઉક્તિ મુજબ ફેંસલો થશે. પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે યોજાયેલ મોરબી પાલિકાની પેટાચૂંટણીમાં સવારથી ધીમું મતદાન શરૂ થાય બાદ સાંજ સુધી મંથર ગતિએ મતદાન ચાલ્યું હતું પરંતુ મતદારોએ જોઈએ તેવો રસ ન દાખવતા એકંદરે ચૂંટણી ફિક્કી રહેવા પામી હતી. જો કે, ઓછા મતદાનને કારણે ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજો કઈ જ્ઞાતિના કેટલા મત આપણને મળ્યા તેના ગણિત ગણવાના કામમાં વળગ્યા છે અને મતદાનની ટકાવારી જોતા કોઈ પણ પક્ષ જીત મેળવે તેમને પાતળી સરસાઈ મળે તેમ હોવાનું રાજકીય પંડિતો જણાવી રહ્યા છે.