મોરબી: જ્યાં જન્મદિવસની ઉજવણીમાં લાખોના ખર્ચાઓ કરવામાં આવે છે, ત્યાં મોરબીના 'પાટીદાર વુમન્સ ગ્રુપ' દ્વારા ખોટા ખર્ચાઓને બદલે સમાજને ઉપયોગી થાય તેવો પ્રેરણાદાયક પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. ગ્રુપના અગ્રણી કાજલબેન આદ્રોજાના જન્મદિવસ નિમિત્તે નબળા અને જરૂરિયાતમંદ વર્ગના લોકોને રાશન કીટનું વિતરણ કરીને માનવતાની મહેક પ્રસરાવવામાં આવી હતી.પાટીદાર વુમન્સ ગ્રુપના સભ્યોએ નિર્ણય કર્યો હતો કે કાજલબેનનો જન્મદિવસ સેવાકીય કાર્યોથી ઉજવવામાં આવે. આ હેતુથી, મોરબીના રેન બસેરા (આશ્રય ગૃહ)માં વસતા લોકોને પોતાનું ગુજરાન સરળતાથી ચલાવવામાં રાહત મળે તે માટે રાશન કીટ વિતરણનું આયોજન કરાયું હતું. જેમાં 130 જેટલા જરૂરિયાતમંદ લોકોને રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ અનોખી ભેટ મળતા લાભાર્થીઓના ચહેરા પર ખુશીની લાગણી જોવા મળી હતી.આ સેવાકીય કાર્યમાં પાટીદાર વુમન્સ ગ્રુપના સભ્યો સાધનાબેન ઘોડાસરા, કાજલબેન આદ્રોજા, નીરૂબેન, ચંદાબેન કાબરા અને આશાબેન સહિતના સભ્યો ઉત્સાહભેર જોડાયા હતા. આ પ્રસંગે સિદ્ધિ ખાદી ગ્રામ ઉદ્યોગ કેળવણી સંસ્થા સંચાલિત 'મહારાણી શ્રી નંદકુંવર બા આશ્રય ગૃહ'ના કાર્યકર પ્રતિનિધિ અસ્મિતા ગોસ્વામી અને પરેશભાઈ ત્રિવેદી તેમજ આશ્રય ગૃહની સંચાલક ટીમના સભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા.