આશરે ૭૭ હજાર જેટલા આસામીઓને વેરા બિલ આપવાની કાર્યવાહી હાથ ધરાઈ મોરબી : મોરબી પાલિકા દ્વારા આશરે ૭૭ હજાર આસામીઓને કરવેરાના બિલો આપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સાથે પાલિકાએ સપ્ટેમ્બર સુધીમાં કરવેરા ભરનારને ૧૦ ટકા કર માફી આપવાની જાહેરાત પણ કરી છે. મોરબી નગરપાલિકાએ કરવેરા ભરવામાં ઉદાસીન રહેતા આસામીઓ કરવેરા ભરવામાં ઉત્સાહ દાખવે તે માટે અનોખી સ્કીમ જાહેર કરી છે. જેમાં ચીફ ઓફિસર ગિરીશ સરૈયા અને પાલિકાના ટેક્સ વિભાગના નરેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું કે નગરપાલિકા દ્વારા કરવેરાની ઝુંબેશ હાથ ધરાઈ છે. જેના ભાગરૂપે સપ્ટેમ્બર સુધીમાં કરવેરા ભરનાર કરદાતાને ૧૦ ટકા કર માફી અપાશે. હાલ પાલિકા તંત્રએ આશરે ૭૭ હજાર આસામીઓને કરવેરાના બિલ આપવાની કાર્યવાહી હાથ ધરી છે. આ ૭૭ હજાર આસામીઓમાં ૫૫૬૭૩ રહેણાંક અને ૨૧૬૩૧ કોમર્શિયલ આસામીઓ છે. અત્યાર સુધીમાં પાલિકા તંત્રને કરવેરાની વસુલાતમાં કુલ રૂ. ૨૧.૭૪ કરોડના બાકી કરવેરામાંથી રૂ. ૩.૯૯ કરોડની વસુલાત થઈ છે. અત્યાર સુધીમાં ૧૮.૩૫ ટકા જેવી વસુલાત થઈ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત વર્ષ પાલીકા તંત્રએ રૂ. ૧૮.૫૭ કરોડના કરવેરામાંથી રૂ. ૯.૭૧ કરોડની વસુલાત કરી હતી. અને ગત વર્ષે ૨૨ ટકા ટેક્ષની વસુલાત કરી હતી. જો કે અત્યારે પાલિકાએ બાકી કરવેરા માટે પણ ઝુંબેશ હાથ ધરી છે.