રવિવારે પાલિકા સંચાલિત સીટી બસ બંધ: 2 એપ્રિલ સુધી ખેતીવાડી ઉત્પાદ સમિતિ બંધ મોરબી : કોરોના વાઇરસને લઈને રવિવારે સવારે 7થી રાત્રીના 9 કલાક સુધી જનતા કરફ્યુ લાગુ કરાયો છે ત્યારે મોરબી જિલ્લા કલેકટર જે.બી.પટેલે જણાવ્યું છે કે પાલિકા કરફ્યુ માટે ત્રણ સાયરન વગાડશે. વધુમા તેઓએ આ કરફ્યુમાં સ્વયમ શિસ્ત સાથે જોડાવવાની જાહેર અપીલ પણ કરી છે. જિલ્લા કલેકટર જે.બી.પટેલે કોરોના સંદર્ભે જાહેર જનતા જોગ જણાવ્યું છે કે લોકોએ બિનજરૂરી બહાર ન નીકળવું. જનતા કરફ્યુ અન્વયે નગરપાલિકા સંચાલિત સીટી બસ સેવા સંપૂર્ણ બંધ રહેશે. રવિવારે સવારે જનતા કરફ્યુ શરૂ થવાની એક મિનિટ પહેલા એટલે કે 6 વાગ્યેને 59 મિનિટે પહેલું સાયરન ગુંજી ઉઠશે. ત્યાર બાદ સાંજે 4 વાગ્યેને 59 મિનિટે બીજું સાયરન વાગશે. જ્યારે રાત્રે 8 વાગ્યેને 59 મિનિટે જનતા કરફ્યુ પૂર્ણ થયોની ઘોષણા માટે આ સાયરન વાગશે. જો કે ત્યાર બાદ પણ લોકોને રસ્તા પર ન ઉતરી આવવા અપીલ કરાઈ છે. લોકોએ ગભરાવું નહિ પણ મહામારીના અંગે સાવચેતી તેમજ ગંભીરતા દાખવવા માટે કહેવાયું છે. અફવાઓ ન ફેલાવવી તેમજ જરૂર જણાય ત્યારે કંટ્રોલરૂમનો સંપર્ક કરવો. 29 માર્ચ સુધી સરકારી કચેરીઓમાં મુલાકાતીઓ માટે પ્રવેશ બંધ રહેશે. 2 એપ્રિલ સુધી મોરબી ખેતીવાડી ઉત્પાદ બજાર સમિતિ બંધ રહેશે. વિદેશથી મોરબી જિલ્લામાં પ્રવેશેલા તમામ નાગરિકોના નામો મેળવી તેમની મેડિકલ તપાસ કરવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. હાલ મોરબી જિલ્લામાં કુલ 15 વ્યક્તિઓને સરકારી ક્વોરન્ટાઇનમાં દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે. આઇસોલેશનમાં માત્ર 1 વ્યક્તિને રાખવામાં આવ્યો છે. જેનો રિપોર્ટ નેગેટિવ (નીલ) આવતા તેને પણ હોમ ક્વોરન્ટાઇનમાં રાખવાની તાકીદ કરાઈ છે.