પાલિકા કચેરીએ ઉગ્ર રજૂઆતના પગલે અધિકારીએ પાણીના ટેન્કરો ચાલુ કરવાની તથા થોડા સમયમાં લાઈટના પ્રશ્નનું નિરાકરણ લાવવાની ખાતરી આપી મોરબી : મોરબીમાં વાવડી કેનાલ પાસેની ઓમ શાંતિ પાર્ક સોસાયટીમાં લાઈટ અને પાણીની સમસ્યાથી સ્થાનિકો પીડાઈ રહ્યા છે. ત્યારે આજે સ્થાનિકોએ પાલિકા કચેરીએ ધસી આવીને ઉગ્ર રજુઆત કરી હતી. ત્યારે અધિકારીઓએ પાણીના ટેન્કરો ચાલુ કરીને થોડા સમયમાં લાઈટનો પ્રશ્ન હલ કરવાની ખાતરી આપી હતી. વાવડી કેનાલ પાસે ૩ વર્ષ પહેલાં બનેલી ઓમ શાંતિ પાર્ક સોસાયટીના રહીશોએ આજે પાલિકા કચેરીએ દોડી જઈને ચીફ ઓફિસરને આવેદન આપીને રજુઆત કરી હતી કે આ સોસાયટીમાં અમે ત્રણ વર્ષથી પરિવારો સાથે વસવાટ કરીએ છીએ પરંતુ આ સોસાયટીમાં કોઈ પણ પ્રકારની પ્રાથમિક સુવિધા ઉપલબ્ધ નથી. ખાસ કરીને પાણી , લાઈટ અને રસ્તા ની સુવિધા ન હોવાથી સ્થાનિકોને હાલાકી ભોગવવી પડી રહી છે. સોસાયટીમાં પીવાના પાણીની સમસ્યાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું છે. લાંબા સમયથી પાણી ન આવતું હોવાના કારણે સ્થાનિકોને પાણી માટે વલખાં મારવા પડે છે. નાછૂટકે વેચાતું પાણી લઈને પીવાની ફરજ પડે છે. આ વિસ્તારના રહેવાસીઓ મધ્યમ પરિવારના હોવાથી ભારે હાડમારી સર્જાય છે. ઉપરાંત વાવડી ચોકડી થી ઓમ શાંતિ પાર્ક સુધી લાઈટ જ નથી. જેથી અંધારપટને કારણે રાત્રે આ રોડ પરથી નીકળવું જોખમભર્યું બની રહે છે. સોસાયટીની પ્રાથમિક સુવિધા મુદ્દે ગ્રામપંચાયત અને નગરપાલિકામાં અનેક રજૂઆતો કરાઈ છે. પરંતુ હદ ને લઈને એકબીજા પર ટપલીદાવ રમીને તેમના વિસ્તારની પાયાની સુવિધા મામલે ઘોર ઉપેક્ષા કરવામાં આવી રહી છે. રહીશોની ઉગ્ર રજુઆતના પગલે ચીફ ઓફિસરે તાત્કાલિક ધોરણે તેમના વિસ્તારમાં પાણીના ટેન્કરો ચાલુ કરવાની તથા લાઈટનો પ્રશ્ન ટૂંક સમયમાં હલ કરવાની હૈયાધારણા આપી હતી.