મોરબીમાં કુલ ૭૫ હજાર મિલકત ધારકો પૈકી માત્ર ૧૬૬૮૮ લોકોએ વેરો ભર્યો !!! મોરબી : મોરબી પાલિકા નિયમિત પાણી નથી આપતી, સાફ સફાઈ કરતી નથી, ગટરો ઉભરાય છે જેવા સવાલોની જડી વરસાવનાર મોરબીવાસીઓ વેરો ભરવાની વાત આવે ત્યારે મો ફેરવી લેતા હોવાની ચોંકાવનારી હકીકત મોરબી પાલિકાના વેરાવસુલાત વિભાગના આંકડા ઉપરથી બહાર આવી છે. સિરામિક સીટી મોરબીના જુદા - જુદા વિસ્તારોમાં રહેણાંક અને કોમર્શિયલ તેમજ ઔદ્યોગિક કુલ ૭૫ હજાર મિલકતો નોંધાયેલ છે જેમની પાસેથી દરવર્ષે મોરબી પાલિકાને ૫.૨૫ કરોડ રૂપિયાનો મિલ્કતવેરો કાર્પેટ એરિયા મુજબ વસુલ કરવાનો થાય છે, જેમાં ચાલુ વર્ષે ફક્ત ૧૬૫૮૮ મિલકત ધારકોએ જ પોતાનો મિલ્કતવેરો ભરવાની તસ્દી લીધી છે અને પાલિકાને કુલ મળી ૮.૮૮ કરોડ જેટલી વેરાવસુલાતની આવક થઈ છે. મોરબી નગરપાલિકાના વેરાવસુલાત વિભાગના અધિકારીક સૂત્રોના જણાવ્યા મુજબ દરવર્ષે ૭૫ હજાર મિલકત ધારકો પાસેથી ૫.૨૫ કરોડ રૂપિયા વસુલવાના થાય છે જેની સામે અનેક લોકો વેરો સમયસર ભરતા ન હોવાથી મોરબી પાલિકાને વેરાની ચડત રકમનો આંકડો ૨૧.૭૪ કરોડને પાર કરી ગયો હોવાનું સતાવાર સૂત્રો જણાવી રહ્યા છે. દરમિયાન ચાલુ વર્ષે મોરબી નગરપાલિકાને ૧૬૫૮૮ મિલકત ધારકો પાસેથી કુલ મળી ૮.૮૮ કરોડની આવક થઈ છે પરંતુ હજુ મોટાભાગના મિલકત ધારકો દ્વારા મિલ્કતવેરો ભરવા તસ્દી ન લેવામાં આવતા પાલિકા દ્વારા ૩૦ હજાર મિલકત ધારકોને વેરાબીલ મોકલી આપ્યા છે અને હજુ બાકી રહેતા ૧૨ હજાર મિલકત ધારકોને નોટિસ મોકલવા કાર્યવાહી ચાલુ છે. જો કે નગરપાલિકાને વેરાવસુલાતની કામગીરીને ધ્યાને લઇ વિકાસ કામોની ગ્રાન્ટ સરકાર ફાળવતી હોય મોરબી પાલિકા દ્વારા આગામી જાન્યુઆરી માસથી કડક હાથે વેરા વસુલાત કરવામાં આવશે અને માર્ચ માસ સુધીમાં મિલ્કતવેરો ભરવાની તસ્દી નહિ લેનાર અસામીઓ વિરુદ્ધ જપ્તી અને જાહેર હરરાજી સુધીના પગલાં ભરવામાં આવનાર હોવાનું સૂત્રોએ અંતમાં જણાવ્યું હતું.