મહિલાઓની ઉગ્ર રજુઆતને પગલે પાલિકા તંત્રએ પાણી પશ્ને યોગ્ય પગલાં ભરવાની ખાત્રી આપી મોરબી : મોરબી પાલિકા પ્રમુખના વોર્ડમાં દસ દિવસથી પાણીના ધાંધિયા થવાથી આ વિસ્તારની મહિલાઓ વિફરી હતી.અને રોષે ભરાયેલી મહિલાઓએ પાલિકા કચેરીમાં મોરચો માંડતા મહિલાઓની ઉગ્ર રજુઆતને પગલે પાલિકા તંત્રએ પાણી પશ્ને યોગ્ય પગલાં ભરવાની ખાત્રી આપી હતી. મોરબી પાલિકા પ્રમુખ કેતન વિલપરાના વોર્ડ વિસ્તાર શનાળા રોડ પરની ચિત્રકૂટ સોસાયટીમાં છેલ્લા દસ દિવસથી પાણી વિતરણ ઠપ્પ થતા આ વિસ્તારની મહિલાઓનું ટોળું રજુઆત માટે પાલિકા કચેરીમાં ઘસી ગયું હતું. જ્યાં પાલિકા પ્રમુખ કે ચીફ ઓફિસર હાજર ન હોવાથી મહિલાઓએ પાલિકાના હેડ ક્લાર્કને રજુઆત કરી હતી. મહિલાઓએ રજૂઆતમાં જણાવ્યું હતું કે, તેમની ચિત્રકૂટ સોસાયટીમાં છેલ્લા દસ દિવસથી પાણી આવતું નથી. અગાઉ પણ પાણી વિતરણના સમયના કોઈ ઠેકાણા જ ન હતા અને છેક મધરાતે પાણી વિતરણ થતું હતું. જોકે તેમની આજુબાજુની સોસાયટીમાં નિયમિત પાણી આવે છે.પરંતુ તેમની આ સોસાયટીમાં અગાઉ પાણી વિતરણના કોઈ ઠેકાણા ન હોવા ઉપરાંત હવે દસ દિવસથી પાણી આવતું ન હોવાથી મહિલાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. મહિલાઓની આ રજુઆતને પગલે પાલિકા તંત્રએ વહેલામાં વહેલી તકે પાણી પ્રશ્ન ઉકેલવાની ખાતરી આપતા મામલો થાળે પડ્યો હતો.