નાગરિકો ગંદકીનો ફોટો અપલોડ કરશે એટલે ૨૪ કલાકમાં નિરાકરણ લાવવાનો દાવો : અગાઉની જેમ વાતો જ થશે કે કામ પણ થશે? મોરબી : મોરબી પાલિકા દ્વારા સ્વચ્છતા એપનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ એપ વડે નાગરિકો ઘેર બેઠા આસપાસ થતા કચરા કે ગંદકીની ફરિયાદ કરી શકશે. પાલિકાએ દાવો પણ કર્યો છે કે નાગરિકો ગંદકીનો ફોટો અપલોડ કરશે એટલે ૨૪ કલાકમાં કાર્યવાહી કરી તેનું નિરાકરણ લાવવામાં આવશે. મોરબી પાલિકા દ્વારા સ્વચ્છ સર્વેક્ષણ ૨૦૧૯ અંતર્ગત શહેરને સુંદર અને સ્વચ્છ બનાવવાના ભાગરૂપે સ્વચ્છતા એપ શરૂ કરી છે. આ એપનું નામ 'swachhata moud' રાખવામાં આવ્યું છે. જે મોરબીવાસીઓ પ્લે સ્ટોરમાંથી ઇન્સ્ટોલ કરી શકશે. આ એપ મારફતે નાગરિકો ઘેર બેઠા ગંદકીને લગતી ફરિયાદ નોંધાવી શકશે. પોતાની આજુબાજુ જ્યા ક્યાંય કચરો કે ગંદકી જેવી સમસ્યા હોય ત્યાંનો ફોટો પાડીને આ એપમાં અપલોડ કરવાનો રહેશે. આ એપમાં ગંદકીને લગતી સમસ્યાનો ફોટો અપલોડ થયા બાદ ૨૪ કલાકમાં તેનું નિરાકરણ લાવવાનો પાલિકા દ્વારા દાવો કરવામાં આવ્યો છે. ત્યારે આ વખતે અગાઉની જેમ માત્ર વાતો જ થશે કે ખરેખર કામ પણ થશે તે જોવાનું રહ્યું.