રાષ્ટ્રપ્રેમીઓ યુવાનો દ્વારા ગાડીની નંબર પ્લેટ ઉપર પાકિસ્તાન મુર્દાબાદના સ્લોગન લખતા પોલીસે દંડ વસુલ્યો : ગંભીર ફરિયાદ બાબતે એસપીએ રજુઆત સાંભળવાને બદલે ફોન કાપી નાંખતા આશ્ચર્ય મોરબી : એકતરફ જમ્મુ કાશ્મીરના પુલવામાંમાં સીઆરપીએફના જવાનો શહીદ થતા દેશભરમા રોષ ફાટી નીકળ્યો છે ત્યારે બીજી તરફ આ શહીદ પરિવારો માટે ફંડ એકત્રિત કરવા ગામડે - ગામડે ગાડી લઈને ફરતા મોરબીના રાષ્ટ્રપ્રેમી યુવાનો દ્વારા ગાડી ઉપર પાકિસ્તાન મુર્દાબાદના સ્લોગન લખતા એ ડિવિઝન પોલીસે દંડ ફટકારતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે અને એથી આગળ આ ગંભીર મામલે જિલ્લા પોલીસવડાએ લોકફરિયાદ સાંભળવાને બદલે ફોન કાપી નાખતા મોરબીના યુવાનોએ રસ્તા ઉપર વિરોધ પ્રદર્શન કરી મોરબી પોલીસ પાકિસ્તાન પ્રેમીના નારા લગાવતા સનસનાટી મચી ગઇ છે. મોરબીમાં ચકચાર જગાવતી આ ઘટના અંગે પ્રાપ્ત વિગતો મુજબ પુલવામાં આંતકી હુમલા બાદ મોરબીના રાષ્ટ્રપ્રેમીઓ દ્વારા છેલ્લા ચારેક દિવસથી ગામડે - ગામડે ફરી લાખો રૂપિયાનું ફંડ શહીદ પરિવારો માટે એકત્રિત કર્યું છે અને કોઈને હેરાન કર્યા વગર સ્વૈચ્છીક રીતે યુવાનો ફંડ એકત્રિત કરતા હોવા છતાં ગઈકાલે શનાળા નજીક ફંડ ઉઘરાવતા યુવાનોને રોકી એ ડિવિઝન પીઆઇ દ્વારા આ બધું બંધ કરી દેજો તેવું કડક ભાષામાં જણાવતા યુવા અગ્રણી દ્વારા શહીદ પરિવારો માટે એકત્રિત કરવામાં આવતા ફંડના આ સારા કાર્યમાં યુવાનોને હેરાન ન કરવા રિકવેસ્ટ કરવામાં આવી હતી. જો કે આમ છતાં મોરબી એ ડિવિઝનના પીઆઇ અને પીએસઆઇ દ્વારા યુવાનોને વાંકમાં લેવા માંગતા હોય તેમ આજે સાંજે આ યુવાનો જે ગાડી લઈને ફંડ ઉઘરાવતા હતા તે ગાડીની નંબર પ્લેટ ઉપર પાકિસ્તાન મુર્દાબાદ સ્લોગન લખેલા હોય ટ્રાફિક નિયમના ભંગ બદલ પીએસઆઈએ ગાડી ડિટેઇન કરવા જીદ પકડી હતી. બીજી તરફ સમગ્ર મામલે યુવા અગ્રણી દ્વારા દરમિયાનગીરી કરવામાં આવતા પોલીસ ગાડી ડિટેઇન કરવાને બદલે રૂપિયા ૧૦૦ નો દંડ વસુલ કરતા ભારે આશ્ચર્ય સર્જાયું હતું અને પાકિસ્તાન મુર્દાબાદ લખવાને ગુન્હો ગણતા રાષ્ટ્રપ્રેમી યુવાનોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. આ ગંભીર બાબતે યુવા અગ્રણી અજય લોરીયાએ જિલ્લા પોલીસવડાને ફોન કરતા જાણે કઈ બન્યું જ ન હોય તેમ આવી નાની નાની બાબતમાં ફોન ન કરવાનું જણાવી ફોન કાપી નાખવામાં આવતા પાકિસ્તાન મુર્દાબાદ મામલો ઉગ્ર બન્યો છે. છેલ્લે મળતા સમાચારો મુજબ એ ડિવિઝન પીઆઇ, પીએસઆઇ અને જિલ્લા પોલીસવડાના આશ્ચર્યજનક વર્તાવ મામલે મોરબીના યુવાનોએ સુપરમાર્કેટ પાસે ઉગ્ર દેખાવ કરી હાલમાં ધરણા ઉપર બેસી ગયા છે અને મોરબી પોલીસના પાકિસ્તાન પ્રેમ અંગે સૂત્રોચ્ચાર કરી પ્લે કાર્ડ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, જો કે, આ ગંભીર બનાવ મામલે હાલ પોલીસની એક ટીમ આને આઇબી સુપર માર્કેટ દોડી ગયું છે અને મામલો શાંત પાડવા પ્રયાસ હાથ ધરાયા છે.