નવા સાદુળકા સેવા સરકારી મંડળીની કલેક્ટરને રજુઆત : પાક વીમામાં અન્યાય દુર નહિ થાય તો આંદોલન કરવાની ચીમકી મોરબી : મોરબી તાલુકાના માત્ર ચાર ગામોનેજ પાક વીમો આપી અન્ય ગામો સાથે અન્યાય કરવામાં આવ્યો હોવાનું જણાવી નવા સદુરકા સેવા સરકારી મંડળીએ જિલ્લા કલેકટરને રજુઆત કરી હતી. ઉપરાંત જો આ અન્યાય દૂર કરવામાં નહિ આવે તો આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામા આવી છે. નવા સદુરકા સેવા સરકારી મંડળીએ જિલ્લા કલેકટરને રજુઆત કરી હતી કે વર્ષ ૨૦૧૭-૧૮ના વર્ષમાં પાક વિમાનું ક્રોપ કટિંગ ગત તા. ૨૬ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ કરવામાં આવ્યું હતું. જેમાં ખેતરોમાં ક્રોપ કટિંગ કરાયા બાદ ઉતારો સાવ ઓછો આવ્યો હોવાનું જાહેર થયું હતું. દરમિયાન તા. ૩૧ ઓગસ્ટ ૨૦૧૭ના રોજ મોરબી તાલુકાનો પાક વીમો જાહેર થયો હતો. જેમાં મોરબી તાલુકાના ખારચિયા, નવા નાગડાવાસ, જુના નાગડાવાસ, ઝીંઝુડા એમ માત્ર ચાર ગામોને ફક્ત વીમો મળ્યો છે. બાકીના કોઈ ગામને પાક વીમો મળ્યો નથી. વધુમાં રજુઆતમાં પ્રશ્ન ઉઠાવવામાં આવ્યા છે કે શું આ માત્ર ચાર ગામમાં જ ગત વર્ષ નિષ્ફળ ગયું હતું? અન્ય ગામોમાં સારું વર્ષ ગયું હશે? એવા કયા પરિબળોના કારણે ક્રોપ કટિંગના આંકડા ફરી ગયા છે? જ્યારે પ્રથમ ક્રોપ કટિંગ વખતે મગફળીમાં પથ્થર નાખીને વજન કરાયું હતું જેનો ગામે વિરોધ કરતા ફરી વખતે રીક્રોપ કટીંગ કરીને વાસ્તવિક આંકડા દર્શાવાયા હતા. જેનું પ્રુફ પણ તેમની પાસે છે. નવા સાદુળકા ગામે રીક્રોપ કટિંગના વાસ્તવિક આંકડા દર્શાવવાની માંગ કરી છે. વધુમાં ઉમેર્યું કે આ ગામોને પાકવિમો જો યોગ્ય રીતે ન ચૂકવાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે. આ બાબતે યોગ્ય નિકાલ નહિ આવે તો નવા સાદુળકા ગામે દરેક સરકારી કામો અને આવતા વર્ષથી આ વીમા યોજનાનો બહિષ્કાર કરાશે. તેવી ચીમકી આપી છે.આજે ખેડૂતોએ કલેકટરને આવેદન આપ્યું હતું ત્યારે ધારાસભ્ય બ્રિજેશ મેરજા, કે.ડી. પડસુબીયા, મુકેશ ગામી સહિતના હાજર રહ્યા હતા.