લીલાપર રોડ ઉપર મચ્છુ નદીમાં ત્રણ યુવાનો નહાવા પડ્યા બાદ કરુણ ઘટના સર્જાઈ મોરબી : મોરબીના લીલાપર રોડ ઉપર પસાર થતી મચ્છુ નદીમાં ગઈકાલે ત્રણ યુવાનો ન્હાવા પડ્યા બાદ સામાકાંઠે નદીમાં તરતા તરતા જઈને પરત આવતી વખતે થાકી જતા એક યુવાન નદીમાં ડૂબી ગયો હતો. જ્યારે અન્ય બે યુવાનો નદીમાંથી હેમખેમ બહાર નીકળી જતા બન્નેનો બચાવ થયો છે. હાલ આ યુવાનની ફાયર બ્રિગ્રેડ દ્વારા નદીમાં શોધખોળ કરવામાં આવી રહી છે. મોરબી ફાયર બ્રિગ્રેડના સૂત્રો પાસેથી મળતી આ બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મૂળ બિહારના વતની અને હાલ મોરબીના નવલખી રોડ ઉપર આવેલ યમુનાનગર સોસાયટીમાં રહેતા વિષ્ણુભાઈ શિવદયાલ શાહ ઉ વ.26 નામનો યુવાન તેના બે અન્ય મિત્રો સાથે ગઈકાલે મોરબીના લીલાપર રોડ ઉપર સ્મશાનથી આગળ આવેલ ફિલ્ટર પ્લાન્ટ પાસે વહેતી મચ્છુ નદીમાં ન્હાવા પડ્યા હતા એ ત્રણેય યુવાનો નદીમાં તરત તરત છેક સામાકાંઠે ગયા હતા અને ત્યાંથી ફરી મચ્છુ નદીમાં તરતા તરતા ત્રણેય યુવાનો પરત આવી રહ્યા હતા.પણ હાલ મચ્છુ ડેમ ઓવરફ્લો હોય અને મચ્છુ નદીમાં સતત પાણી છોડતા પાણીના તેજ પ્રવાહને કારણે આ ત્રણેય યુવાનો તરતા તરતા થાકી ગયા હતા આથી વિષ્ણુ નામનો યુવાન સામાકાંઠેથી રિર્ટન આવતી વખતે નદીમાં ગરકાવ થઈ ગયો હતો.જ્યારે અન્ય બે યુવાનોનો જીવ બચી ગયો હતો મચ્છુ નદીના યુવાન ડૂબી ગયો હોવાની જાણ થતાં મોરબી ફાયર વિભાગના વિનય ભટ્ટ સહિતનો સ્ટાફ નદી પાસે દોડી ગયો હતો અને યુવાનની શોધખોળ હાથ ધરી હતી. આ બાબતે ફાયરબ્રિગેડ વિભાગે જણાવ્યું હતું કે, યુવાન નદીમાં તણાયા બાદ ઝૂલતાપુલ પાસે નદીમાં ડૂબ્યો હોય એવી પ્રાથમિક માહિતી છે. પણ ઝૂલતાપૂલની નીચે નદીમાં ઝાડી ઝાંખરા અને બાવળ તેમજ અન્ય જોખમી વસ્તુઓ હોવાથી યુવાનની શોધખોળ કરવા માટે કલેકટર તંત્ર પાસે એનડીઆરએફ ટીમની મદદ માંગવામાં આવી છે.