મોરબી : આજે શ્રાવણ માસની વદ પક્ષની અમાસ છે. એટલે કે પવિત્ર શ્રાવણ માસનો આજે અંતિમ દિવસ છે. ત્યારે મોરબી જિલ્લામાં ભાવિકોએ ભોળાનાથના દર્શનનો લાભ લઇ ધન્યતા અનુભવી છે. તેમજ શ્રદ્ધાળુઓએ મહાદેવને કોરોના નામના શત્રુનો નાશ કરવા પ્રાર્થના કરી છે. શ્રાવણ માસમાં મહાદેવ શિવની ભક્તિ કરવાનો મહીમા છે. આજે પવિત્ર શ્રાવણ માસ પૂર્ણ થાય છે. ત્યારે શિવભક્તોએ મંદિરોમાં જઈ શિવલિંગનું પૂજન-અર્ચન કરી ભોળાનાથની ભક્તિ કરી છે. આ તકે મોરબીના શોભેશ્વર મહાદેવ મંદિર સહીતના અનેક શિવાલયોમાં શિવલિંગને તથા મહાદેવની પ્રતિમાને વિવિધ શણગાર કરવામાં આવ્યા છે. મંદિરના પટાંગણ તથા ગર્ભગૃહને વિવિધ રંગબેરંગી ફૂલોથી સજાવવામાં આવ્યા છે. આજે અનેક ભાવિકોએ શ્રાવણ માસ દરમિયાન કરેલા વ્રત, ઉપવાસ, એકટાણા પૂર્ણ થશે. આ સાથે સમગ્ર વિશ્વ કોરોના વાયરસની મહામારી સામે ઝઝૂમી રહ્યું છે. ત્યારે ભકતોએ કોરોનાથી રક્ષણ આપવા અને કોરોના મહામારીમાંથી વિશ્વને ઉગારવા ભોલેનાથને પ્રાર્થના કરી છે.