મોરબી : મોરબીના નાની બજાર પાસે આવેલ રાજવી પરિવાર દ્વારા ફાળવેલ જમીન પર તત્કાલિન સમયમાં બનાવેલ બુઢ્ઢાબાવા રણછોડરાય મંદિર આશરે 118 વર્ષ પૂર્વે 1901માં આ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તે સમયે મંદિરમાં સેવા-પૂજાનું કાર્ય ગંગારામ દયારામ કુબાવતને સોંપવામાં આવ્યું હતું. તેમજ તેમના હસ્તે બુઢ્ઢાબાવા રણછોડરાયની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ મંદિર અનેક લોકોના આસ્થાના કેન્દ્ર સમાન છે. હાલમાં ગંગારામ કુબાવતની ચોથી પેઢી દ્વારા મંદિરમાં સેવા-પૂજા કરવામાં આવે છે. આ મંદિરને 118 વર્ષ જેટલો સમય વીતી ગયા બાદ ફરીથી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભાવિક સિધ્ધાર્થ અને મનીષા નિરંજનીએ યજમાનપદે શાસ્ત્રોક્ત વિધિ મુજબ મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ તકે નિવૃત જિલ્લા શિક્ષણ અધિકારી કનુભાઈ કુબાવત તથા પ્રવીણભાઈ કુબાવતના માર્ગદર્શન હેઠળ આયોજિત આ ધાર્મિક કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં ભાવિકો ઉપસ્થિત રહી ધન્યતાનો અનુભવ કર્યો હતો.