મોરબી: શ્રી કાઠિયાવાડ નિરાશ્રીત બાલાશ્રમ-રાજકોટ સંચાલિત મોરબીના વૃદ્ધાશ્રમમાં લાંબા સમયથી સેવા આપતા અધિક્ષક સુષ્માબેન પટ્ટણી વયમર્યાદાના કારણે નિવૃત્ત થતાં, સંસ્થાના માવતરો (વડીલો) અને સ્નેહીજનોએ ભીની આંખે તેમને વિદાય આપી હતી અને તેમના સંભારણા વાગોળ્યા હતા. સુષ્માબેને વૃદ્ધાશ્રમમાં વર્ષો સુધી નિષ્ઠાપૂર્વક સેવા આપી હતી. સુષ્માબેનની નિવૃત્તિ બાદ હાલમાં કિરણબા વાઘેલા અને પરેશભાઈ કિકાણી વૃદ્ધાશ્રમનું સંચાલન સંભાળી રહ્યા છે.સંસ્થા દ્વારા દાતાઓ, શુભેચ્છકો અને સ્નેહીજનોને જાહેર અપીલ કરવામાં આવી છે કે સુષ્માબેનના અંગત મોબાઈલ નંબર પર સંપર્ક કરીને તેમને નિવૃત્તિ જીવનમાં ખલેલ ન પહોંચાડવામાં આવે. હવેથી મોરબી વૃદ્ધાશ્રમને લગતા તમામ કાર્યો, સહકાર અને દાન માટે સંસ્થાના સત્તાવાર નંબરો ટેલિફોન નંબર: ૦૨૮૨૨-૨૪૦૨૦૧ અને મોબાઈલ નંબર: ૯૧૦૪૩૦૩૬૪૫ પર જ સંપર્ક કરવો. સંસ્થાએ ભવિષ્યમાં પણ દાતાઓ તરફથી અવિરત સહકાર અને સહયોગ મળતો રહે તેવી આશા વ્યક્ત કરી છે, જેથી વૃદ્ધાશ્રમના માવતરોના આશીર્વાદ પ્રાપ્ત કરી શકાય. તેમ સંસ્થાની યાદીમાં જણાવાયું છે.