મોરબી : રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મજ્યંતી ખૂબ જ ઉત્સાહપૂર્ણ માહોલમાં ગઈ કાલે દેશમાં ઉજવવામાં આવી. 150 જન્મજ્યંતી પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાબરમતી આશ્રમની ખાસ મુલાકાત લીધી હતી. આ તકે ગાંધી મૂલ્યોની, વર્તમાનમાં પણ સાર્થકતા હોવાનું દેશવાસીઓને જણાવ્યું હતું. દેશના નાના મોટા દરેક શહેરો અને નગરોમાં ગાંધીજીના અદર્શોના સંદેશાઓ વિવિધ રીતે જન જન સુધી પહોંચાડવામાં આવ્યા હતા. ત્યારે મોરબીની એક પ્રાચીન ગરબીમાં પણ ગાંધી દર્શનને તાદ્રશ્ય કરવામાં આવ્યું હતું. શનાળા રોડ સ્થિત ન્યુ ગુજરાત હાઉસિંગ બોર્ડ સોસાયટીમાં વર્ષોથી થતી પ્રાચીન ગરબી સ્થાનિકો તેમજ આજુબાજુના વિસ્તારોમાં ખાસી પ્રચલિત છે. પરંપરાગત રીતે ગરબીની સ્થાપના કરી કુંવારીકાઓ દ્વારા શક્તિની આરાધના, ઉપાસના કરવામાં આવતી હોવાથી ધર્મની સાથે પ્રાચીન સંસ્કૃતિ અને સભ્યતાના અદભુત દર્શન અહીં થાય છે. આ નવલા દિવસોમાં જ આવેલી ગાંધીજીની 150મી જન્મજયંતીના ઉપલક્ષમાં અહીં ગાંધીજીનો સાદગી, સ્વચ્છતા અને સ્વાવલંબનનો સંદેશ પાઠવવામાં આવ્યો હતો. આ માટે એક બાળકે ગાંધીની વેશભૂષા ધારણ કરી હતી અને ગામડાઓ સ્વાવલંબી બને તથા દરેકને રોજગાર મળી રહે, સાથો સાથ સ્વદેશી ચીજવસ્તુઓ જ વાપરવા અંગે લોકજાગૃતિ આવે એ માટે ગાંધીજી દ્વારા પ્રચલિત એવા અંબર ચરખા સાથેના ગાંધીજીને તાદ્રશ્ય કરવામાં આવ્યા હતા. જેણે લોકોમાં ખાસુ આકર્ષણ જમાવ્યું હતું. જે સંદેશો આપવા માટે શબ્દો ટૂંકા પડે ત્યાં આ પ્રકારની અભિવ્યક્તિને ઉપસ્થિત લોકોએ ખૂબ આવકારી હતી.