સોસાયટીના રહેવાસીઓ દ્વારા જિલ્લા કલેકટરને લેખિત રજુઆત કરી દબાણ હટાવવા માંગ ઉઠાવી મોરબી : મોરબીના બાયપાસ રોડ પર દુર્લભ પાર્ટી પ્લોટ સામે આવેલ ધર્મલાભ સોસાયટીના સાર્વજનિક હેતુ માટેના પ્લોટ પર કબજો જમાવી ભુમાફિયાઓ દ્વારા દાદાગીરી આચરવામાં આવતા સોસાયટીના રહીશો દ્વારા તાકીદે દબાણ દૂર કરી માથાભારે શખ્સોના ત્રાસમાંથી મુક્તિ અપાવવા જિલ્લા કલેકટરને રજુઆત કરી છે. ધર્મલાભ સોસાયટીના રહીશો દ્વારા જિલ્લા કલેકટરને લેખિત રજુઆત કરી સોસાયટીના કોમન પ્લોટ ઉપર ભુમાફિયા દ્વારા દબાણ કરી લેવામાં આવતા સોસાયટીના રહીશોના નાના મોટા પ્રસંગો થઈ શકતા ન હોવાનું તેમજ બાળકોને રમવા માટે જગ્યા પણ મળતી ન હોવાનું જણાવાયું હતું. વધુમાં ધર્મલાભ સોસાયટીના સાર્વજનિક હેતુ માટેની આ કિંમતી જમીન પચાવી પાડવા માટે ભુમાફિયાઓ દ્વારા કારસો ઘડવામાં આવ્યો હોવાનું જણાવી સોસાયટીના રહીશો કે સોસાયટીના બિલ્ડર કે અન્ય કોઈ પ્લોટમાં દબાણ નહિ કરવાનું સમજવા જાય તો પણ ભુમાફિયાઓ દ્વારા ઢાંક ધમકી આપવામાં આવતી હોવાની ફરિયાદ કરવામાં આવી હતી.