મોરબીમાં દિપાવલી પર્વની હર્ષોલ્લાસ પૂર્વક ઉજવણી કરાઈ મોરબી: પ્રકાશના પર્વ દિવાળીની મોરબી શહેર જિલ્લામાં સર્વત્ર હર્ષોલ્લાસ પૂર્વક અને અનેરા થનગનાટ વચ્ચે ઉજવણી કરવામાં આવી હતી આ વખતે ગુરૂવારથી શનિવાર સુધી દિવાળી, બેસતુ વર્ષ અને ભાઇબીજની રજાઓ અને તે પછી રવિવારનો દિવસ હોવાથી લોકોને ચાર દિવસનો લાંબો બ્રેક મળ્યો છે. આ રજાઓમાં અનેક લોકો વતન પહોંચી ગયા છે અથવા તો અનેક લોકો હરવા-ફરવાના સ્થળે પહોંચી જઈ મીની વેકેશનનો લાભ લીધો છે. દીપાવલીના શુભ દિવસે મોરબીની બજારોમાં વેપારીઓ દ્વારા શુભમુહુર્તમાં ચોપડા પુજન કરવામાં આવ્યું હતું અને રાત્રે ઘેર-ઘેર રોશનીનો ઝળહળાટ વચ્ચે લોકોએ આનંદ ઉલ્લાસ વચ્ચે રાત્રીએ દિવસ જેવો માહોલ સર્જી દીધો હતો. લોકો મનભરીને ફટાકડાની આતશબાજી અને પ્રકાશના પર્વની મોજ માણી હતી અને રાતભર ફટાકડા ફુટયા હતા. આજે બેસતા વર્ષે મોરબી શહેરમાં લોકોએ સવારથી જ એકબીજાની સાલ મુબારકની શુભેચ્છા પાઠવવાનું શરુ કરી એકબીજાને ટેલીફોન, વોટસએપ,ઇ-મેઇલ,રૂબરૂ મળી શુભેચ્છાઓની આપ-લે કરી હતી સવારથી જ લોકો નવા કપડા પહેરી એકબીજાના ઘરે શુભેચ્છા પહોંચી ગયા હતા. જો કે થોડા વર્ષોથી ટ્રેન્ડ બદલાયો છે અને મોબાઇલથી શુભેચ્છા આપવાનો ક્રેઝ વધ્યો છે. અનેક લોકો મીની વેકશન માણવા હરવા-ફરવાના સ્થળે પહોંચી જતા અગાઉ જેવો ધમધમાટ જોવા મળ્યો ન હતો આવતી કાલે ભાઇબીજની ઉજવણી કરવામાં આવશે તે પછી લાભપાંચમથી વેપાર-ધંધા પુનઃ શરૂ થશે. મોરબી અપડેટની સમગ્ર ટીમ વતી મોરબી જીલ્લાના તમામ નગરજનોને નવા વર્ષની શુભકામનાઓ..