ભાજપ યુવા મોરચા દ્વારા પણ જિલ્લા શિક્ષણાધિકારીને રજુઆત : નાયબ જિલ્લા શિક્ષણાધિકારી લાલઘૂમ : શાળા ચાલુ રાખનાર તમામને શિક્ષણકાર્ય બંધ રાખવા લેખિત આદેશ મોરબી : રાજ્ય સરકાર દ્વારા નવરાત્રિ દરમિયાન તમામ શાળાઓમાં મીની વેકેશન જાહેર કરવા આદેશ આપ્યો હોવા છતાં મોરબી જિલ્લાની મોટાભાગની ખાનગી શાળાઓમાં શિક્ષણકાર્ય ચાલુ રાખી રાજ્ય સરકારના આદેશનો ઉલાળિયા કરવામાં આવતા શિક્ષણ વિભાગ પણ ચોકી ઉઠ્યો છે અને આજે નાયબ જિલ્લા શિક્ષણાધિકારીએ આ બાબતની ગંભીર નોંધ લઈ શિક્ષણકાર્ય ચાલુ રાખનાર તમામને લેખિત આદેશ આપી શાળાઓ બંધ રાખવા સૂચના આપનાર હોવાનું જણાવ્યું હતું તો આ મામલે મોરબી ભાજપ યુવા મોરચા દ્વારા પણ જિલ્લા શિક્ષણાધિકારીને આવેદન અપાયું હતું. આજથી નવલા નોરતાના પ્રારંભ સાથે ગુજરાત સરકાર દ્વારા તમામ શાળાઓમાં મિનિવેકેશન વેકેશન જાહેર કરી તા.10 થી 17 ઓક્ટોબર શિક્ષણકાર્ય બંધ રાખવા આદેશ જાહેર કર્યો છે પરંતુ મોરબીમાં જાણે ગુજરાત સરકારનો આદેશ લાગુ ન પડતો હોય તેમ મોટાભાગની ખાનગી શાળાઓમાં શિક્ષણકાર્ય ચાલુ રાખવામાં આવતા આશ્ચર્ય સર્જાયું હતું. બીજી તરફ મોરબીમાં મોટાભાગની ખાનગી શાળાઓ ખુલ્લી રહેતા જિલ્લા શિક્ષણાધિકારી તંત્ર પણ ચોકી ઉઠ્યું હતું અને આ મામલે નાયબ જિલ્લા શિક્ષણાધિકારી કાવર જણાવ્યું હતું કે, શિક્ષણ કાર્ય ચાલુ રાખનાર તમામ શાળાઓને લેખિત આદેશ આપી શિક્ષણકાર્ય બંધ રાખવા આદેશ આપવામાં આવશે, ખાનગી શાળાઓ ચાલુ રાખવા અંગે મોરબી જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળના પ્રમુખ મનોજ ઓગણજાએ જણાવ્યું હતું કે હજુ અનેક વિષયના કોર્ષ બાકી હોવાથી આગામી 13 તારીખ સુધી શિક્ષણકાર્ય રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવશે અને 14 ઓક્ટોબરથી રજા રાખવામાં આવનાર હોવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે મોરબીમાં ખાનગી શાળાઓ ચાલુ રહેતા આજે ભાજપ યુવા મોરચા દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને આવેદનપત્ર પાઠવી સરકારના આદેશ પરીપત્રનું પાલન કરાવવા માંગણી ઉઠાવી હતી.