કોરોના કાળ વચ્ચે પણ જૈન સમાજના લોકોએ કઠોર ઉપવાસ કરીને મહાવીર સ્વામીની આરાધના કરી મોરબી : જૈન ધર્મમાં આદિ અનાદિ કાળથી ક્ષમા આપવાની સાથે કઠોર ઉપવાસ કરીને ભગવાન મહાવીર સ્વામીની સાધના કરવાનું અનેરું મહાત્મય છે. સામાન્ય રીતે, ઘણા લોકો એક દિવસ પણ ઉપવાસ કરી શકતા નથી. ત્યારે જૈન ધર્મના લોકો દિવસો સુધી નિર્જળા ઉપવાસ કરીને શરીર અને મનને તાજગીપૂર્ણ બનાવે છે. તેમાય પર્યુષણ પર્વમાં અનેકવિધ કઠોર ઉપવાસ કરવામાં આવે છે. પર્યુષણ પર્વનો છેલ્લો દિવસ એટલે મિચ્છામિ દૂકડમ સવંતસરીનું પર્વ હતું. ત્યારે મોરબીના જૈન સમાજના લોકોએ પર્યુષણ પર્વ દરમ્યાન અઠાઈ તપ, નવાઈ તપ, અગિયા તપ, સિદ્ધિ તપ સહિતના જુદાજુદા પ્રકારના તપ કર્યા હતા. મોરબીમાં દર વર્ષે પર્યુષણ પર્વમાં જૈન ધર્મના આશરે 25 થી 30 લોકો કઠોર તપસ્યા કરે છે. ત્યારે આ વખતે મોરબીના શનાળા રોડ ઉપર આવેલ મહેશ હોટલ સામેની સોસાયટીમાં રહેતા ગાંધી ભૈરવીબેન વિનયભાઈ નામના 42 વર્ષના જૈન મહિલાએ એક મહિના સુધીના માસ ક્ષમણની કઠોર તપસ્યા કરી હતી. જેમાં આ માસ ક્ષમણની સાધના એટલી આકરી છે કે સવારના 7 થી સાંજના 7 સુધી માત્ર ગરમ પાણી ઉપર રહેવાનું હોય છે. ત્યારપછી પાણી પણ નહીં પીવાનું અને આખા મહિના સુધી મોઢામાં અન્નનો દાણો કે અન્ય કોઈ પણ પ્રવાહી પણ નહીં મુકવાનો. આ રીતે તેઓએ 30 દિવસ સુધી ઉપવાસ કરીને આકરી તપાસ કરી છે. જો કે આ આકરી તપસ્યાના કારણે તેમને કોઈ જાતની તકલીફ થઈ નથી. અગાઉ તેમને એસીડિટી, અપચો સહિતની બીમારીઓ હતી. પણ આ કઠોર ઉપવાસ રહેવાથી તેમની બીમારીઓ દૂર થઈ છે અને તેઓ શારીરિક માનસિક રીતે એકદમ સ્ફૂર્તિમય બન્યા છે. આ મહિલા કહે છે કે હાલના કોરોના કાળમાં મજબૂત રહેવા માટે નિયમિત આરોગ્ય પ્રદ આહારની સવિશેષ જરૂર હોય છે.તેમ છતાં એક મહિના સુધી ભૂખ્યા રહીને પણ તેઓએ તન મનને વધુ તાજગીપૂર્ણ બનાવ્યું છે. અને ભગવાન મહાવીર સ્વામી પ્રત્યે તેમને અડગ શ્રદ્ધા છે. સાચા અને મન વચનથી સાધના કરવામાં આવે તો એ સાધના ફ્ળે છે. તેઓ કઠોર ઉપવાસ દરમ્યાન ઘરના તમામ કાર્યો અગાઉની જેમ નિત્યક્રમ પ્રમાણે જ કર્યા હતા. એક માસ સુધી ભૂખ્યા રહેવા છતાં અને નિત્યક્રમ મુજબ કામો કરવા છતાં તેમને કોઈ જાતની નબળાઈ આવી નથી ઉલટાનું શરીર વધુ ચેતનવતું બન્યું છે. કોરોનાને કારણે તપસ્વીઓના સામુહિક પારણાં કરવાનો કાર્યક્રમ રદ કરાયો છે અને તપસ્વીઓના ઘરે પારણા કરાયા હતા. જો કે આ વખતે આ મહિલાએ જ આકરી તપસ્યા કરી છે. ઉપરાંત, અન્ય 10 થી 15 લોકોએ સરેરાશ 8 થી 10 દિવસ સુધીના તપ કર્યા છે. જેમાં 15 વર્ષના ધ્વનિ ડિમ્પલ મહેતાએ 8 દિવસના ઉપવાસ, 35 વર્ષના અવની યોગેશભાઈ લોદરિયાએ 8 દિવસના ઉપવાસ, 25 વર્ષના મહેશભાઈ રમેશભાઈ મહેતાએ 8 દિવસના ઉપવાસ, 54 વર્ષના અતુલભાઈ મનુભાઈ મહેતાએ 8 દિવસના ઉપવાસ કર્યા છે. જ્યારે કોરોનાને કારણે દરબાર ગઢ સંઘ દ્વારા સંઘ જમણ, પ્રતિક્રમણ, વાંચના, પરીક્ષણા, સમૂહ પારણા, ભગવાન મહાવીર સ્વામીની રથયાત્રા સહિતના તમામ જાહેર કાર્યક્રમો રદ કરવામાં આવ્યા છે. જયારે કોરોનાકાળમાં દરબારગઢ સંઘ દ્વારા છેલ્લા 3 વાત્સલ્ય સંઘ જમણ રદ કર્યા જેના બદલે સંઘ દ્વારા સંઘના દરેકની ઘરે મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું.