શૌચાલયના નાણાં ત્રણ મહિનાથી આવી ગયા હોવા છતાં સરપંચ ન ચૂકવ્યા : ટીડીઓએ સરપંચને તતડાવ્યા મોરબી : મોરબી જિલ્લામાં શૌચાલય કૌભાંડમાં લાભાર્થીઓને નાણાં ચૂકવતા ન હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે જેમાં નાનાભેલા ગામે ત્રણ - ત્રણ મહિનાથી શૌચાલયના નાણાં ન ચૂકવનાર સરપંચ વિરુદ્ધ ટીડીઓને ફરિયાદ કરવામાં આવતા સરપંચ આણી ટોળકીએ યુવાન ઉપર હુમલો કરતા ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે. જાણવા મળતી વિગતો મુજબ મોરબીના નાનાભેલા ગામના દિલીપ રામજીભાઈ ચાવડા ઉ. ૩૦ નામના યુવાને પોતાના ઘેર શૌચાલય બનાવ્યા બાદ સહાયના રૂપિયા ૧૨ હજાર ચુકવવામાં પંચાયતના સરપંચ દ્વારા ત્રણ - ત્રણ મહિના ધક્કા ખવડાવતા આ મામલે ટીડીઓને ફરિયાદ કરતા ટીડીઓએ સરપંચને તતડાવી નાખ્યા હતા. આ અંગેનો ખાર રાખી યુવાનના સરપંચ કાકા લાલજી અરજણ ચાવડા,પિતરાઈ જયેશ લાલજી ચાવડા તથા કાકી રેખા લાલજી ચાવડાએ પાઇપ વડે હુમલો કરી યુવાનને માર મારતા ઇજાગ્રસ્ત યુવાનને પ્રથમ મોરબી બાદ રાજકોટ હોસ્પિટલે ખસેડાયો છે.